ટેકનોલોજીના નામે ગ્રાહકોનું આર્થિક શોષણ? માર્ક ઝુકરબર્ગના નવા AI એજન્ટ ‘મ્યુઝ’ની કિંમતો સાંભળીને જ ભારતીય યુઝર્સના હોશ ઊડી ગયા!

ટેકનોલોજીના  નામે ગ્રાહકોનું આર્થિક શોષણ? માર્ક ઝુકરબર્ગના નવા AI એજન્ટ ‘મ્યુઝ’ની કિંમતો સાંભળીને જ ભારતીય યુઝર્સના હોશ ઊડી ગયા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ટેકનોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સ્પર્ધા સતત વધી રહી છે. આ દરમિયાન માર્ક ઝુકરબર્ગની કંપની મેટા (Meta) પોતાના નવા પર્સનલ AI એજન્ટ 'મ્યુઝ' (Muse)ને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે, કંપનીએ હજુ સુધી ભારતમાં તેના લોન્ચિંગની સત્તાવાર તારીખ જાહેર કરી નથી. બીજી તરફ, ભારતમાં તેના સંભવિત સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતો સામે આવતાં ટેકનોલોજી ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે.

ભારતમાં કેટલો હોઈ શકે છે Muse AIનો ભાવ?

'ધ હિન્દુ'ના અહેવાલ અનુસાર, મેટા ભારતમાં મ્યુઝ AIને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ રજૂ કરી શકે છે. તેનો બેઝિક 'પાવર' (Power) પ્લાન આશરે ₹1,799થી શરૂ થવાની શક્યતા છે, જ્યારે સૌથી મોંઘા 'મેક્સ' (Max) પ્લાનની કિંમત ₹8,999 હોવાનું કહેવાય છે. જોકે, આ કિંમતો માસિક છે કે વાર્ષિક તે અંગે અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી. અમેરિકામાં પાવર પ્લાનની કિંમત દર મહિને 20 ડોલર (આશરે ₹1,900) અને મેક્સ પ્લાનની કિંમત 100 ડોલર (આશરે ₹9,400) છે. સબ્સ્ક્રિપ્શનના ફાયદાની વાત કરીએ તો પાવર પ્લાનમાં દર અઠવાડિયે 50 કરોડ મ્યુઝ ટોકન્સ મળવાની અપેક્ષા છે. જ્યારે મેક્સ પ્લાનમાં દર અઠવાડિયે 3 અબજ ટોકન્સ આપવામાં આવે છે.

જાહેરાત

શું છે Metaનું Muse AI અને કેવી રીતે કરશે કામ?

મેટાએ રજૂ કરેલું મ્યુઝ એક પર્સનલ AI એજન્ટ છે, જે યુઝર્સ વતી વિવિધ ડિજિટલ કામ કરી શકે છે. સામાન્ય AI ચેટબોટની જેમ માત્ર સવાલોના જવાબ આપવાને બદલે તે યુઝર્સના સૂચન અનુસાર અનેક કામ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેની મદદથી ઇમેઇલ ડ્રાફ્ટ તૈયાર કરવા, મુસાફરીનું આયોજન કરવા, ફ્લાઇટની ટિકિટ બુક કરવા, કસ્ટમર સર્વિસ સાથે વાતચીત કરવા અને લાંબા ઓનલાઇન ફોર્મ ભરવા જેવાં કામ કરી શકાશે. આ ઉપરાંત, વોટ્સએપ જેવી લોકપ્રિય એપ્સની અંદર પણ તેની સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

વિશ્વભરમાં બે મહિનામાં 1 કરોડથી વધુ ડાઉનલોડ્સનો દાવો

અહેવાલમાં જણાવ્યા અનુસાર, મ્યુઝને વૈશ્વિક સ્તરે સારો પ્રતિસાદ મળ્યો છે અને લોન્ચિંગના માત્ર બે મહિનામાં તેના ડાઉનલોડ્સનો આંકડો 1 કરોડને પાર કરી ગયો હતો. આ AI એજન્ટ ક્ષેત્રમાં ઓપનએઆઈના Dots, Anthropicના Claude Duet, Grok Bot અને Instinct જેવા પ્લેટફોર્મ્સ સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

ભારતમાં લોન્ચિંગ પહેલાં મેટા સામે બે મોટા પડકારો

હાલમાં મ્યુઝ સત્તાવાર રીતે અમેરિકા, કેનેડા, જાપાન અને સિંગાપોર જેવા દેશોમાં ઉપલબ્ધ છે. ભારતમાં સાઇન અપ કરવાનો પ્રયાસ કરનારા યુઝર્સને હાલ વેટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે. ભારતમાં લોન્ચિંગ પહેલાં મેટા સામે પેમેન્ટ અને વેબસાઇટ સુરક્ષાના પડકારો છે. હાલમાં મ્યુઝ ભારતીય યુઝર્સ માટે સ્વતંત્ર રીતે કાર્ડ પેમેન્ટ કરી શકતું નથી, કારણ કે તે સ્થાનિક પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલું નથી. બીજી સમસ્યા CAPTCHAની છે. ભારતીય વેબસાઇટ્સ ઓટોમેટેડ બોટ્સને રોકવા માટે CAPTCHAનો ઉપયોગ કરે છે. AI એજન્ટ્સ આ પ્રકારની સુરક્ષા ચકાસણી ઉકેલી શકે તો વેબસાઇટ્સની સુરક્ષા વ્યવસ્થા સામે નવા પ્રશ્નો ઊભા થઈ શકે છે. હાલ ભારતીય યુઝર્સ મ્યુઝની સત્તાવાર વેબસાઇટ પર જઈને વેટિંગ લિસ્ટમાં જોડાઈ શકે છે. જોકે, ભારતમાં તેની સત્તાવાર શરૂઆત ક્યારે થશે અને અંતિમ સબ્સ્ક્રિપ્શન કિંમતો કેટલી હશે તે અંગે મેટાની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત