VIDEO: Tech News / ડ્રાઈવર કે સિગ્નલ વિના દોડશે 350 કિમીની સ્પીડવાળી ટ્રેન; ચીન હવે બુલેટ ટ્રેનોનું સંચાલન સીધું ‘અવકાશ’માંથી કરશે!
કલ્પના કરો કે એક ટ્રેન 350 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે દોડી રહી છે, પણ તેમાં કોઈ ડ્રાઈવર નથી! એટલું જ નહીં, પાટાની આજુબાજુ કોઈ ટ્રાફિક સિગ્નલ પણ નથી. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા નથી, પરંતુ ચીનનું આગામી પગલું છે. કેન્દ્ર સરકાર હાલમાં ‘વંદે ભારત’ અને ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન’ પ્રોજેક્ટ (જે લગભગ 500 કિમી લાંબો છે) પર ગર્વભેર કામ કરી રહ્યું છે, ત્યારે આપણો પડોશી દેશ ચીન રેલવે ટેક્નોલોજીને એક અલગ જ ઊંચાઈ પર લઈ ગયું છે. ચીન હવે જમીન પર દોડતી હાઈ-સ્પીડ ટ્રેનોનું સંચાલન સીધું અવકાશ (Space) માંથી કરવાની અદ્યતન યોજના પર કામ કરી રહ્યું છે. ચાલો જાણીએ કે આ ટેક્નોલોજી શું છે અને તે કઈ રીતે કામ કરે છે.
માત્ર 15 વર્ષમાં ઊભું કર્યું 50,000 કિમીનું નેટવર્ક
વર્ષ 2008 સુધી ભારત અને ચીન બંનેનું રેલવે નેટવર્ક લગભગ સરખું હતું. ભારતે રેલવેના જનરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું, જ્યારે ચીને એક ખાસ વ્યુહરચના હેઠળ સુપરફાસ્ટ હાઈ-સ્પીડ ટ્રેનો બનાવવાનું શરૂ કર્યું. હાઇ-સ્પીડ ટ્રેનોનો અર્થ ‘વંદે ભારત’ જેવી ટ્રેનો નથી. વંદે ભારત ટ્રેનો 130થી 160 કિમી/કલાકની ઝડપે દોડે છે. ચીને 300થી 350 કિમી/કલાકની ઝડપે દોડતી હાઇ-સ્પીડ ટ્રેનો બનાવી છે. તે હજુ ભારતમાં ઉપલબ્ધ નથી. પરિણામે, ચીને માત્ર 15 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વનું સૌથી મોટું 50,000 કિમી નું હાઈ-સ્પીડ રેલ નેટવર્ક બનાવી દીધું છે, જ્યાં ટ્રેનો 300 થી 350 કિમી/કલાકની ઝડપે દોડે છે. ચીનનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં આ નેટવર્કને 60,000 કિમી સુધી પહોંચાડવાનો છે. સરખામણી કરીએ તો, ભારતનું કુલ રેલવે નેટવર્ક જ લગભગ 70,000 કિમી નું છે.
દુર્ઘટનામાંથી શીખીને નવો રસ્તો શોધ્યો
જ્યારે ટ્રેન 350 કિમી/કલાકની સ્પીડ પર હોય ત્યારે નાની સરખી માનવ ભૂલ કે સિગ્નલની ખામી મોટી તબાહી સર્જી શકે છે. વર્ષ 2011 માં ચીનના વેન્ઝોઉમાં આવી જ એક ઘટના બની હતી. ત્યાં વીજળી પડવાને કારણે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ ગઈ અને 2 ટ્રેનો એક જ ટ્રેક પર સામસામે આવી ગઈ. આ ભયાનક અકસ્માતમાં 40 લોકોના મોત થયા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ ચીનના વૈજ્ઞાનિકોએ જમીન આધારિત સિગ્નલ સિસ્ટમના વિકલ્પ પર સંશોધન શરૂ કર્યું અને આખરે એક ફૂલપ્રૂફ સ્પેસ ટેક્નોલોજી શોધી કાઢી.
અવકાશમાંથી કેવી રીતે થશે ટ્રેનોનું નિયંત્રણ?
જેમ આપણે મોબાઇલમાં લોકેશન જોવા માટે GPS અથવા Google Maps નો ઉપયોગ કરીએ છીએ, બરાબર એ જ રીતે ચીન પોતાની સુપરફાસ્ટ ટ્રેનો માટે પૃથ્વીની નજીકની કક્ષામાં ફરે તેવા લો-અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઈટ્સનો ઉપયોગ કરશે.
રીઅલ-ટાઇમ મોનિટરિંગ: આ ઉપગ્રહો ટ્રેનની 'આંખ અને કાન' બનશે. દરેક ટ્રેનમાંથી સતત સિગ્નલ સેટેલાઈટને મોકલાશે અને સેટેલાઈટ પરથી દર સેકન્ડે ટ્રેનનું ચોક્કસ લોકેશન, તે કયા ટ્રેક પર છે તે અને તેની સ્પીડ શું છે એ તમામ ડેટા કંટ્રોલ સેન્ટરને મળતો રહેશે.
ઓટોમેટિક કમાન્ડ: કંટ્રોલ રૂમના કમ્પ્યુટર્સ આ ડેટાના આધારે ટ્રેનને ઓટોમેટિક આદેશ આપશે કે તેને ક્યારે રોકવી કે ક્યારે ફૂલ સ્પીડમાં દોડાવવી.
વાવાઝોડું કે ધુમ્મસ... કશું નહીં નડે
આ સિસ્ટમને લીધે પૃથ્વી પરના ખરાબ હવામાન(જેમ કે, ભારે વરસાદ, વાવાઝોડું, ધુમ્મસ, પૂર કે વીજળી પડવા)ની ખરાબ અસર સિગ્નલ પર થવાનું જોખમ જ નહીં રહે, કેમ કે બધો કન્ટ્રોલ સ્પેસ-બેઝ્ડ હશે. આ ટેક્નોલોજી આવ્યા પછી રેલવે ટ્રેક પર લાલ-લીલી લાઈટો કે સ્ટેશનો પર ઝંડા બતાવવાની જરૂર નહીં રહે. ભવિષ્યમાં આ બધી જ ટ્રેનો ડ્રાઈવર વિના આપમેળે સુરક્ષિત અંતર જાળવીને દોડશે, જેથી અકસ્માતની શક્યતા 0% થઈ જશે.
આ પણ વાંચો: ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરવાની કરી જાહેરાત, અમેરિકા-ઈઝરાયલે કરારનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો
વૈશ્વિક સ્તરે ચીનનું વધતું વર્ચસ્વ
ચીન અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ઇલેક્ટ્રોનિક્સમાં તો આગળ છે જ, પરંતુ હવે આ અદ્યતન રેલ ટેક્નોલોજીના કારણે તે દુનિયામાં રેલવેનો 'કિંગ' બની રહ્યું છે. ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશો પણ પોતાના દેશમાં રેલવે નેટવર્ક વિકસાવવા માટે ચીનની મદદ લઈ રહ્યા છે. સ્પેસ ટેક્નોલોજીની મદદથી ટ્રેન ચલાવવાનો આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે ચીન ભવિષ્યની ટેક્નોલોજીમાં અન્ય દેશો કરતાં ઘણું આગળ નીકળી ગયું છે.

