VIDEO: અરવલ્લીમાં 'પુષ્પા' સ્ટાઈલ તસ્કરી: માલપુરમાં રાત્રે 4 લાખના ચંદન ચોરી તસ્કરો ફરાર, ખેડૂતોમાં ફફડાટ
VIDEO: અરવલ્લી જિલ્લાના માલપુ

VIDEO: અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં જાણે ચંદન ચોર વિરપ્પનો સક્રિય થયા હોય તેવો ઘાટ સર્જાયો છે. માલપુરના ઉભરાણ ગામે તસ્કરોએ ફિલ્મી સ્ટાઈલે ચોરીને અંજામ આપી પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. બુધવારની મધરાત્રે તસ્કરોએ બે અલગ-અલગ ખેતરોને નિશાન બનાવી લાખોની કિંમતના ચંદનના ઝાડની ચોરી કરી છે.
કટરથી ઝાડ કાપી તસ્કરીને અંજામ આપ્યો
મળતી માહિતી મુજબ, ઉભરાણ ગામના સીમ વિસ્તારમાં આવેલા બે ખેતરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રિના સમયે ઈલેક્ટ્રિક અથવા હેન્ડ કટરનો ઉપયોગ કરીને અત્યંત સાવધાનીપૂર્વક ચંદનના ઝાડ કાપવામાં આવ્યા હતા. તસ્કરોએ એક ખેતરમાંથી 2 અને બીજા ખેતરમાંથી 4 (કુલ 6) ચંદનના કિંમતી ઝાડ કાપીને તેની તસ્કરી કરી હતી. ચોરી થયેલા આ ચંદનના લાકડાની અંદાજિત કિંમત 4 લાખ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસ ફરિયાદની તજવીજ
વહેલી સવારે જ્યારે ખેડૂત પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ઝાડના ઠૂંઠાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. વર્ષોથી ઉછેરેલા કિંમતી ચંદનના ઝાડ ચોરાઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ કોઈ વ્યવસ્થિત ગેંગનું કામ હોઈ શકે છે જે લાંબા સમયથી આ વિસ્તારમાં રેકી કરી રહી હતી.





