મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના વડનગરમાં યુવકે પત્ની-પુત્રીની હત્યા કરી પોતે પણ સિવિલના ધાબેથી કૂદી આત્મહત્યા કરી

VIDEO:

તસવીર: GSTV

VIDEO: મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત સિવિલ હોસ્પિટલના પરિસરમાં બનેલી એક આત્મહત્યાની ઘટનાએ હવે ચોંકાવનારો વળાંક લીધો છે. ગઈકાલે ગિરીશ પરમાર નામના એક 30 વર્ષીય પરણિત યુવાને હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય આપઘાત લાગતો હતો, પરંતુ પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં જે ખુલાસા થયા છે તેનાથી આખું મહેસાણા પંથક હચમચી ઉઠ્યું છે.  

સ્યુસાઈડ નોટમાં હત્યાની કબૂલાત
પોલીસ તપાસ દરમિયાન મૃતક ગિરીશ પરમારના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં ગિરીશે પસ્તાવા સાથે એવી કબૂલાત કરી છે કે તેણે આપઘાત કરતા પહેલા પોતાની પત્ની પ્રિયંકા અને માસૂમ પુત્રી પરીની નિર્મમ હત્યા કરી છે. હત્યા પાછળનું પ્રાથમિક કારણ ઘરકંકાસ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

મૃતદેહોને પોતાના જ ઘરમાં દાટી દીધા
આ ઘટનામાં સૌથી હૃદયદ્રાવક વિગત એ છે કે, હત્યા કર્યા બાદ ગિરીશે પુરાવાનો નાશ કરવા માટે બંનેની લાશને શાહપુર ગામ સ્થિત પોતાના ઘરની અંદર જ જમીનમાં દાટી દીધી હતી. લાશોને ઠેકાણે પાડ્યા બાદ તે વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી.  

પોલીસની કાર્યવાહી અને ખોદકામ
સ્યુસાઈડ નોટના આધારે વડનગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક શાહપુર ગામે ગિરીશના ઘરે પહોંચી ગયો છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં ઘરમાં ખોદકામ કરી લાશોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે હત્યા અને આત્મહત્યા એમ બંને દિશામાં ઊંડી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો