VIDEO: દાહોદના અભલોડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના, તંત્ર સફાળું જાગ્યું, પાણી અને કેરીના રસના સેમ્પલ લેબમાં મોકલ્યા
VIDEO: દાહોદ જિ

VIDEO: દાહોદ જિલ્લાના અભલોડ ગામે એક સામાજિક પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 222થી વધુ અને સમગ્ર જિલ્લામાં થઈને અંદાજે 250 કરતાં વધુ લોકો આ ઝેરી ખોરાકની અસરમાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
હોસ્પિટલની સ્થિતિ અને સારવાર
અચાનક મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા દાહોદની ખાનગી હોસ્પિટલો અને ઝાયડસ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, એકલી ઝાયડસ હોસ્પિટલમાં 50થી વધુ પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. ઝાયડસના ફિઝિશિયન ડૉ. મોહિત દેસાઈએ જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓની પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે અને ગભરાવાની જરૂર નથી, પરંતુ હજુ પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા સેમ્પલિંગ અને સર્વે
ઘટનાની જાણ થતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પિંકલ નગરાલાવાળા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતની ટીમ અભલોડ ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આખા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેથી અન્ય કોઈ સંતાયેલા કે ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓ રહી ન જાય. તપાસ દરમિયાન ટીમે પીવાનું પાણી, કેરીનો રસ તેમજ પનીર સહિતની ખાદ્ય સામગ્રીના નમૂના લીધા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
તંત્રની બેદરકારી પર સવાલ
નોંધનીય છે કે, જ્યારે 250થી વધુ લોકો બીમાર પડ્યા ત્યારે છેક તંત્રને આ ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને શરૂઆતમાં જિલ્લાનું ફૂડ વિભાગ અજાણ હોવાનું પણ સામે આવ્યું છે, જે તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે. જોકે, હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે 'સ્ટેન્ડ બાય' છે અને તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.






