મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મનાલી પાસે વાદળ ફાટવાને કારણે વિનાશ, હજારો પથ્થરો પુલ પર ધસી આવ્યા 

હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લાના મનાલી નજીક વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. મનાલી-

હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લાના મનાલી નજીક વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. મનાલી-લેહ હાઈવે પર સ્થિત પલચનની બાજુમાં આવેલ અંજની મહાદેવ નાળામાં મધરાતે વાદળ ફાટ્યા બાદ પાણી ભરાઈ ગયા હતા. પલચન પુલ ઉપરથી પૂરના પાણી વહેવા લાગ્યા, જેના કારણે રોડને નુકસાન થયું. આટલું જ નહીં બ્રિજ પર મોટા પથ્થરો અને કાટમાળ જમા થયો છે. બ્રિજની બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. આ કારણે મનાલી-લેહ હાઈવે પર વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે.

પોલીસ અને પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ વાદળ ફાટવાને કારણે બે મકાનો, એક પુલ અને એક વીજળી પ્રોજેક્ટને નુકસાન થયું છે. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. જિલ્લા વહીવટી તંત્ર પૂરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં વ્યસ્ત છે.

અંજની મહાદેવ નદીમાં મધરાતે પૂર આવ્યું હતું

નદીના વધતા જળસ્તરને જોતા જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને નદીના નાળા તરફ ન જવાની સલાહ આપી છે. પૂરના કારણે પલચન, રૂખડ અને કુલંગ ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘરોમાં રહેતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અંજની મહાદેવ નદીમાં મધરાતે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદીમાં ભયંકર અવાજ આવ્યો. જેના કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો પણ જાગી ગયા હતા. નદી કિનારે રહેતા લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા હતા. નદીમાં આવેલા પૂરથી લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો પરંતુ લોકોને મોટું નુકસાન થયું છે.

દરમિયાન, સોશિયલ મીડિયા પર એક એડવાઈઝરી જારી કરતી વખતે, લાહૌલ સ્પીતિ પોલીસે લખ્યું છે કે વાદળ ફાટવાના કારણે મનાલીથી લેહ નેશનલ હાઈવે (NH-003) ધુંડીથી પાલચન સુધીના તમામ વાહનો માટે બંધ છે. આ કારણોસર, તમામ વાહનોને અટલ ટનલ નોર્થ પોર્ટથી રોહતાંગ પાસ થઈને મનાલી મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, વૈકલ્પિક માર્ગોનો વિચાર કરો અને જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરો.

આ સમાચાર શેર કરો