Vapi Fire: વાપીના વાયબ્રન્ટ બિઝનેસ પાર્કમાં ભીષણ આગ, 2 યુવાનો 60થી 76 ટકા દાઝ્યા, 6થી વધુ ફાયર ફાઈટરની મદદ લેવાઈ, VIDEO
V

Vapi Fire: વલસાડ જિલ્લાના વાપીમાં આવેલા નેશનલ હાઈવે 48 સ્થિત વાયબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આજે એક ભીષણ આગની ઘટના બની છે. અહીં આવેલી 'અનસૂયા સર્જીકલ' નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં બાજુની કંપનીને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
આ દુર્ઘટનામાં બે યુવાન કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 20 વર્ષીય આશિષ કુમાર આશરે 60 ટકા અને 21 વર્ષીય સૈની કમલ 76 ટકા જેટલા ગંભીર રીતે દાઝી ગયા છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ વાપી અને આસપાસના વિસ્તારોમાંથી 6થી વધુ ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કર્યા હતા. સાવચેતીના ભાગરૂપે આસપાસની કંપનીઓમાંથી સામાન ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.





