મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, એક સાથે તોડ્યા 5 મોટા રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રાજસ્થાન રોયલ્સ તરફથી ધમાકેદાર પ્ર

તસવીર: gstv

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રાજસ્થાન રોયલ્સ તરફથી ધમાકેદાર પ્રદર્શન કરનાર બિહારના લાલ અને ભારતીય ક્રિકેટના વન્ડરકિડ વૈભવ સૂર્યવંશીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી 3 મેચોની T20I સિરીઝમાં આ 15 વર્ષીય બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી રનોનો અંબાર લગાવી દીધો છે. સમગ્ર સિરીઝ દરમિયાન વૈભવે 196.10ના સ્ટ્રાઈક રેટથી 151 રન ફટકાર્યા હતા, જેના કારણે ભારત આ સિરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યું હતું. આ શાનદાર પ્રદર્શનના જોરે વૈભવે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સહિતના દિગ્ગજોના વર્ષો જૂના ઐતિહાસિક રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે.

ઈંગ્લેન્ડ સામેની ડેબ્યુ સિરીઝમાં ફ્લોપ રહ્યા બાદ વિવેચકોના નિશાના પર આવેલા વૈભવે ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતીને ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો છે. સિરીઝ દરમિયાન આ યુવા સેન્સેશને બનાવેલા 5 મોટા રેકોર્ડ્સ નીચે મુજબ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં તોફાની અડધી સદી ફટકારી હતી. માત્ર 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પચાસ રન પૂરા કરીને તેણે નેપાળના કુશલ મલ્લા (15 વર્ષ 340 દિવસ) નો રેકોર્ડ તોડી વિશ્વમાં સૌથી નાની ઉંમરે હાફ સેન્ચુરી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

16 વર્ષની ઉંમર પહેલા 2 અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન

સિરીઝની ત્રીજી અને અંતિમ T20 મેચમાં વૈભવે ફરી એકવાર 49 બોલમાં 81 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ સાથે તે આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટના ઈતિહાસમાં પોતાની ઉંમરના 16 વર્ષ પૂર્ણ કરતાં પહેલા બે વખત 50 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે.

સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

વૈભવે ભારત માટે સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો લગભગ ચાર દાયકા જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને વર્ષ 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે વૈભવે માત્ર 15 વર્ષની ઉંમરે જ આ પરાક્રમ કરી બતાવ્યું છે.

કાયમી મેમ્બર દેશોમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી

ICCના એસોસિએટ દેશો તરફથી વૈભવ કરતાં પણ નાની ઉંમરે કેટલાક ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હોઈ શકે છે, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાયમી સભ્ય દેશોમાં 16 વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે એક કરતાં વધુ અડધી સદી ફટકારવાનું ગૌરવ આજ સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન પ્રાપ્ત કરી શક્યો નથી.

ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા 'પ્લેયર ઓફ ધ સિરીઝ'

ઝિમ્બાબ્વે પ્રવાસ પર 3 મેચોમાં સૌથી વધુ 151 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીને તેની શાનદાર બેટિંગ માટે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતના ઈતિહાસમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો દુનિયાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ સિરીઝ બાદ વૈભવ ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે.

આ સમાચાર શેર કરો