Commonwealth Games 2026 / ભારતનો પ્રથમ ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈનો મોટો ખુલાસો, '2 દિવસથી કંઈ ખાધું નથી'

ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શાનદાર પ્રદર્શન કરીને દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં ઐતિહાસિક ગોલ્ડ જીતીને મીરાબાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પણ પૂર્ણ કરી છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ પોડિયમ પર જ્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે મીરાબાઈ પોતાની આંખોમાંથી વહેતા ખુશીના આંસુ રોકી નહતી શકી. મેચ પૂરી થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ભારતીય સ્ટાર વેઇટલિફ્ટરે પોતાની આ સફળતા પાછળના એક ખૂબ જ મોટા ત્યાગનો ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને દરેક દેશવાસી ભાવુક થઈ ગયા છે.
વજન જાળવી રાખવા 2 દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કર્યો
જીત મેળવ્યા બાદ જ્યારે પત્રકારો મીરાબાઈ પાસે પહોંચ્યા ત્યારે તેણે હસતાં હસતાં સૌથી પહેલું વાક્ય કહ્યું, "જલ્દી જલ્દી કરો, મેં 2 દિવસથી કંઈ ખાધું નથી." ત્યારબાદ મીરાબાઈએ ભાવુક થતાં જણાવ્યું કે ગેમ્સના નિયમો અનુસાર પોતાનું બોડી વેઇટ 48 કિલોગ્રામ જાળવી રાખવા માટે તેણે છેલ્લા બે દિવસથી અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. ખૂબ જ કડક ડાયટ અને ભૂખ્યા રહીને વજન કંટ્રોલમાં રાખવું એ આ રમતનો એક અત્યંત કઠિન હિસ્સો છે. મીરાબાઈએ જણાવ્યું કે જ્યારે મેડલ જીત્યા બાદ તિરંગો ઉપર જતો દેખાયો અને રાષ્ટ્રગીત ગુંજ્યું, ત્યારે આ તમામ સંઘર્ષ આંસુ બનીને વહી ગયો હતો. આ ખુશીના આંસુ હતા કે જે તેણે દેશને પ્રથમ ગોલ્ડ અપાવીને મેળવ્યા હતા.
મેચની ખરાબ શરૂઆત બાદ બનાવ્યા ઐતિહાસિક રેકોર્ડ
મીરાબાઈ માટે આ મેચની શરૂઆત ધાર્યા મુજબની નહતી રહી. સ્નેચ રાઉન્ડમાં તે પોતાના પ્રથમ પ્રયાસમાં 82 કિલોગ્રામ વજન ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી અને સંતુલન ગુમાવી બેઠ હતી. જોકે એક ચેમ્પિયનની જેમ વાપસી કરતાં તેણે બીજા પ્રયાસમાં 82 કિલોગ્રામ અને ત્રીજા પ્રયાસમાં 85 કિલોગ્રામ વજન ઉઠાવીને નવો કોમનવેલ્થ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ જ રીતે ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં પણ પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયા બાદ, બીજા પ્રયાસમાં 105 કિલોગ્રામનો રેકોર્ડબ્રેક ભાર ઉઠાવી લીધો હતો. આ સાથે જ તેમણે કુલ 190 કિલોગ્રામ (85 કિલોગ્રામ સ્નેચ + 105 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. તે સિલ્વર મેડલ વિજેતા નાઇજીરીયાની રુથ અસુકો ન્યોંગ (168 કિલોગ્રામ) કરતાં 22 કિલોગ્રામ આગળ રહી હતી.
માતા અને કોચનો આભાર માન્યો
પોતાની આ ભવ્ય સફળતા બાદ ભાવુક બનેલી મીરાબાઈ ચાનુએ આ મેડલ પોતાની માતા અને લાંબા સમયથી માર્ગદર્શન આપતા કોચ વિજય શર્માને સમર્પિત કર્યો હતો. તેણે કહ્યું કે, "મારા સારા અને ખરાબ સમયમાં તેઓ મારી સાથે ખડેપગે રહ્યા છે. પરિવાર અને દેશવાસીઓની આશાઓનું ભારે દબાણ હતું, તેથી ભારત માટે આ ત્રીજો ગોલ્ડ જીતીને હું અત્યંત ખુશ છું."
મીરાબાઈની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, "ભારતીય વેઇટલિફ્ટિંગમાં વધુ એક ઐતિહાસિક ક્ષણ! મીરાબાઈ ચાનુની મહેનત અને સાતત્ય દરેક ભારતવાસી માટે પ્રેરણારૂપ છે."

