અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, T20Iમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ટોપ પર પહોંચ્યો

ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20I મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો, તેણે 12 બોલમાં 20 રન બનાવ્યા. જોકે તેણે ટૂંકી ઈનિંગ રમી, પરંતુ તેણે પોતાની ઈનિંગ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રાંચીમાં રમાયેલી આ મેચમાં અભિષેકે ઈનિંગની પહેલી જ ઓવરમાં છગ્ગો ફટકારીને ઈતિહાસ રચ્યો. અભિષેક T20I ઈતિહાસમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બન્યો છે. આ સંદર્ભમાં, તેણે આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ અને વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
અભિષેક શર્માએ વિશ્વ રેકોર્ડ તોડ્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20I મેચમાં ઈનિંગ ઓપન કરનાર અભિષેક શર્માએ ભારતીય ઈનિંગની પ્રથમ ઓવરના છેલ્લા બોલે શાનદાર છગ્ગો ફટકાર્યો. આ સાથે અભિષેક T20I ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર પૂર્ણ સભ્ય દેશોનો બેટ્સમેન બન્યો. અભિષેકે આ સંદર્ભમાં પોલ સ્ટર્લિંગ અને એવિન લુઇસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બંને બેટ્સમેનોએ તેમના T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ ઓવરમાં 13-13 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે અભિષેકે અત્યાર સુધીમાં 14 છગ્ગા ફટકાર્યા છે.
આ સાથે અભિષેક T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્મા અને માર્ટિન ગુપ્ટિલ આ યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. બંનેએ તેમની કારકિર્દીમાં પ્રથમ ઓવરમાં 12-12 છગ્ગા ફટકાર્યા છે.
T20Iમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેન
- 14 છગ્ગા - અભિષેક શર્મા
- 13 છગ્ગા - પોલ સ્ટર્લિંગ
- 13 છગ્ગા - એવિન લુઇસ
- 12 છગ્ગા - રોહિત શર્મા
- 12 છગ્ગા - માર્ટિન ગુપ્ટિલ
બીજી T20Iમાં પણ અભિષેકનું બેટ ન ચાલ્યું
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20Iમાં અભિષેકે 12 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા. રોસ્ટન ચેઝની બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે ગુડાકેશ મોતીના હાથે કેચ આઉટ થયો. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી મેચમાં પણ અભિષેકે મોટી ઈનિંગ નહતો રમી શક્યો. પહેલી T20Iમાં અભિષેકે 10 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.

