Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Doping stain on Gujarat's sports reputation, 13 players caught in three years

ગુજરાતની રમતગમતની શાખ પર ડોપિંગનો ડાઘ, ત્રણ વર્ષમાં 13 ખેલાડીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતની રમતગમતની શાખ પર ડોપિંગનો ડાઘ, ત્રણ વર્ષમાં 13 ખેલાડીઓ ઝડપાયા
સોર્સ : gstv

ગુજરાતના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે. શરીર અને કરિયર બંને દાવ પર લગાવી રહ્યા છે. ડોપ ટેસ્ટ કરતાં એવું માલુમ પડ્યું કે, ગુજરાતમાં 13 રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હતાં. આ ઘટસ્ફોટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી સહિત તંત્રને હચમચાવી મૂક્યું છે.

App Store

દોડ, લાંબી કૂદ, વેઇટલિફ્ટિંગના ખેલાડીઓની વધુ ઊર્જા મેળવવા શરીર સાથે ‘રમત’

દોડ, લાંબી કૂદ અને વેઇટલિફ્ટિંગ જેવી વધુ શારીરિક ક્ષમતા માંગી લેતી રમતોના ખેલાડીઓ આ દૂષણમાં વધુ સપડાયા છે. મેદાન પર હરીફોને પછાડવા અને શરીરમાં કુદરતી ક્ષમતા કરતાં બમણી ઊર્જા પેદા કરવા માટે ખેલાડીઓ મોંઘા અને જીવલેણ ડ્રગ્સના ઇન્જેક્શન તેમજ ગોળીઓ લઈ રહ્યા છે. સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા, ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ કરવા અને નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી ત્વરિત સ્ફૂર્તિ લાવવા માટે ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરે છે.

કેન્દ્રીય રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, એથ્લીટ્સ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરે છે કે કેમ તે માટે નિયમિત રીતે ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં દેશમાં કુલ 682 ખેલાડીઓના ડોપ ટેસ્ટ કરાયા હતા. છેલ્લા છ મહિનામાં જ એજન્સી દ્વારા યોજાયેલા ગુપ્ત ડોપિંગ ટેસ્ટમાં બે રમતવીરો ડ્રગ્સ લેતા હોવાનો પદાફાશ થયો છે. ત્રણેક વર્ષમાં ડોપ ટેસ્ટ કરાતાં ગુજરાતના 13 એથ્લીટ્સ પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ મામલે ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટીએ મો સિવી લીધું છે. મેડલ મેળવવા માટે રમતવીરો કઈ હદ સુધી જઈ શકે છે, આ ઘટના તેનું વરવું ઉદાહરણ છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સનસનીખેજ ઘટસ્ફોટ બાદ દોષિત ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાને લઈને સરકાર કે રમતગમત મંત્રાલયે કોઈ ખુલાસો નથી કર્યો.

ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કેમ કરે છે?

  • સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા અને તાકાત વધારવા માટે.
  • ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ કરવા માટે.
  • નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી ત્વરિત સ્ફૂર્તિ લાવવા.
  • વજન ઓછું કરવા, યુરિન ટેસ્ટમાં ડ્રગ્સ પકડાય નહીં તે માટે.

ગુજરાતમાં ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ

  • વર્ષ 2024, 6 પોઝિટિવ કેસ
  • વર્ષ 2025, 5 પોઝિટિવ કેસ
  • વર્ષ 2026, 2 પોઝિટિવ કેસ

હર્ષ સંઘવી 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં વ્યસ્ત, રમતવીરો નશાના માર્ગે

એક બાજુ, અમદાવાદ શહેરમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવીના વિદેશ પ્રવાસો કરી રહ્યા છે. ભારત વૈશ્વિક મંચ પર કરોડોના પ્રોજેક્ટ્સ રજૂ કરી રહ્યું છે. બીજી બાજુ, ડોપિંગના કેસોમાં ગુજરાતના ખેલાડીઓ પકડાઈ રહ્યા છે જેના લીધે ગુજરાતની શાખ દાવ પર લાગી ગઈ છે.

રમતગમત વિભાગ માત્ર મોંઘા સ્ટેડિયમો, બજેટો અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સના માધ્યમથી હેડલાઇન્સ મેળવવામાં વ્યસ્ત છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ખેલાડીઓના દમ પર મેડલ જીતવાના છે, તે ખેલાડીઓ આજે જમીની સ્તરે અસુરક્ષિત અને દિશાવિહીન છે. માત્ર વિદેશ પ્રવાસો અને બેઠકો કરવાથી રમત જગતનો વિકાસ થતો નથી.

ખેલાડીઓનું પ્રતિબંધિત દવાઓ તરફ વળવું એ સાબિત કરે છે કે રમતગમત વિભાગ પાસે એથ્લિટ્સના મોનિટરિંગ, કાઉન્સેલિંગ કે સાચા માર્ગદર્શનની કોઈ સચોટ વ્યવસ્થા નથી. ખેલાડીઓને પાયાના સ્તરે કયા સપ્લિમેન્ટ્સ લેવા અને કયા નહીં તેની જાગૃતિ આપવામાં રમતગમત વિભાગ નિષ્ફળ રહ્યો છે. ગુજરાતી રમતવીરોનું પ્રતિબંધિત દવાઓના રવાડે ચડવું એ વ્યવસ્થાની ઘોર નિષ્ફળતા દર્શાવે છે.

ટોપિક્સ:dopingdope testathletegstv