VIDEO: 'SIT તપાસથી કંઈ નહીં વળે, માત્ર કૌભાંડીઓને બચાવવાના પ્રયાસો ', રામ મંદિર દાન મામલે સચિન પાયલટના PM મોદી પર પ્રહાર
અયોધ્યા રામ મંદિરના દાનમાં કથ

અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને કૌભાંડના મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પાયલટે આશંકા વ્યક્ત કરી છે કે અત્યાર સુધી જે વિગતો સામે આવી છે, તે કદાચ ખૂબ નાની રકમ હોઈ શકે છે અને અસલી કૌભાંડ ઘણું મોટું હોઈ શકે છે.
સચિન પાયલટે મીડિયા સમક્ષ વાત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, "આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? અમને જે જાણવા મળ્યું છે તે કદાચ ખૂબ જ નાની રકમ હોઈ શકે છે. લોકોનું કહેવું છે કે જ્યારે મંદિર માટે જમીન ખરીદવામાં આવી હતી ત્યારે પણ મોટી હેરાફેરી થઈ હતી. અમારી માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સમગ્ર મામલે દેશ સમક્ષ નિવેદન આપે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાને દેશની જનતાને ભરોસો આપવો જોઈએ કે ભવિષ્યમાં રામ મંદિરના દાનમાં આવી કોઈ ચોરી કે છેતરપિંડી નહીં થાય. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે કે નહીં તે અંગે પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી.
આ મામલે ચાલી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ અંગે સચિન પાયલટે દાવો કર્યો કે, "SIT તપાસમાંથી કંઈ બહાર આવવાનું નથી. આ તપાસ માત્ર કૌભાંડીઓને બચાવવા માટેના પ્રયાસો સમાન છે. અમારી સ્પષ્ટ માંગ છે કે આ સમગ્ર કૌભાંડની તપાસ સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની સીધી દેખરેખ હેઠળ થવી જોઈએ, જેથી સત્ય સામે આવી શકે."






