મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: સિંગર વિશાલ દદલાનીનો પીએમ મોદી પર પ્રહાર: ઘમંડ છોડો, એજ્યુકેશન સિસ્ટમ પર ધ્યાન આપો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો પોસ્

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વપરાયેલી ભાષા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ હતા જેમણે તેમને અને તેમના માતાને ગાળો આપી હતી. હવે તેમના આ વીડિયો બાદ પ્રખ્યાત ગાયક અને સંગીતકાર વિશાલે દદલાનીએ પણ એક વીડિયો શેર કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. વિશાલે સવાલ પૂછ્યો કે ટીયર ગેસ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ થયો, ગોળીઓ ચલાવવામાં આવી, તેના પર ગુસ્સો ન આવ્યો, પણ ગાળો આપવાથી દર્દ થયું?

ગોળીઓ ચાલવાથી કોઈ વાંધો નથી, પણ ગાળો આપવાથી સંસ્કાર પર સવાલ?

વિશાલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે કે, "આજે હું લાંબી-લાંબી વાત કરવા માગું છું... ઓહ એટલે કે સીધી વાત કરું. હવે એવું છે કે ટીયર ગેસ છોડાયા તો કઈ વાંધો નહીં, લાકડીઓ પડી કે ગોળીઓ ચાલી તો પણ કઈ વાંધો નહીં. પણ દેશના યુવાનો જો ગાળો આપે, તો દેશના સંસ્કાર ક્યાં જઈ રહ્યા છે, તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. તમે વિચારી શકો છો? અમારા દિલને બહુ દર્દ થયું છે. પણ ગોળીઓ ચાલી હોય તો કઈ વાંધો નહીં, કોઈને નુકસાન થયું હોય તો કઈ વાંધો નહીં. અરે હા, તમારા ઘરે પણ ગુંડાઓ આવશે, એફઆઈઆર (FIR) પણ દાખલ કરાવવામાં આવશે, પણ કઈ વાંધો નહીં. જે બાળકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે, તેમને પણ કચડી નાખવામાં આવશે. આક્રોશ છે, પણ ગાળો કેમ આપી?"

પેપર લીક પર આક્રોશ નહીં, પણ ગાળો આપવા પર?

વિશાલે આગળ કહ્યું, "અચ્છા, કેટલાક લોકોને લાગ્યું કે આક્રોશ એ વાતનો છે કે પેપર લીક થયું, લોકોએ આત્મહત્યા કરી, વાલીઓની મહેનત પાણીમાં ગઈ... પણ એ વાત પર આક્રોશ નથી, ગાળો આપી એટલે આક્રોશ છે. ગાળો પણ દીકરીઓએ આપી. જોકે દીકરીઓ અને દીકરાઓ વચ્ચે આ રીતે ભેદભાવ કરવો એ સ્ત્રી-વિરોધી માનસિકતા (Misogyny) છે."

વિશાલે કહ્યું: ઘમંડ બંધ કરો

વિશાલે સલાહ આપતા કહ્યું, "હું ફક્ત એક મિત્ર તરીકે તમને સલાહ આપીશ કે આ ઘમંડ બંધ કરો, પીઆર (PR) ઓછું કરો, જે ખરાબ રીલ્સ બનાવી રહ્યા છો એ બધું બંધ કરો અને પ્લીઝ સારા રાઈટર્સ લઈને આવો. તમે જે સારા એક્ટર્સ રાખ્યા છે તેમને સામે લાવો."

જો સારું કામ કરશો તો આ જ બાળકો તમારા ગુણગાન ગાશે

વિશાલે અંતમાં કહ્યું, "જો જોડાણ બનાવવું જ હોય તો સાચું અને સારું જોડાણ બનાવો. તમે જુઓ કે આખું પ્રદર્શન હાસ્ય-મજાક સાથે કરવામાં આવ્યું છે. આપણા દેશના યુવાનો પ્રેમથી ભરેલા છે. જો તમે કંઈક સારું કામ કરશો, જો તમે શિક્ષણ વ્યવસ્થામાં કંઈક સારું કરશો, તો આ જ બાળકો તમારા ગુણગાન ગાશે. આ બધું રીલ્સ બનાવવાનું અને વીડિયો બનાવવાનું બંધ કરો. તમારી પાસે કેટલો સમય છે, ચાલો દેશ માટે કંઈક સારું કરીએ યાર."

આ સમાચાર શેર કરો