VIDEO: બ્રિટનના લીડ્સમાં રમખાણ... ઠેરઠેર હિંસા, આગચંપી અને વાહનોમાં તોડફોડના દ્રશ્યો આવ્યા સામે
યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે જોરદાર હુલ્લડો થયો હતો.

યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે જોરદાર હુલ્લડો થયો હતો. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘટનાના વાયરલ વીડિયોમાં તોફાનીઓની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે.
આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર હોમમાં રાખતા હોવાનું સામે આવ્યું છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સર સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. પરંતુ તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યા. જો કે હજુ સુધી આ હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે. ટોળું પોલીસ વાનને પલટી મારતું જોવા મળે છે પરંતુ તે પહેલા તેની બારીઓ તોડી નાખવામાં આવી.
https://twitter.com/TPointUK/status/1814034016049213455
એક વીડિયોમાં એક વ્યક્તિ બસને આગ લગાડી રહ્યો છે જ્યારે કેટલાક લોકો કચરો ફેંકી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટું ફ્રીઝર લાવી તેને રસ્તા પર લાગેલી આગમાં ફેંકી રહ્યા છે. આ રમખાણોને કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા અને લોકોને જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
યુકેના ગૃહમંત્રી યવેટ કૂપરે કહ્યું કે તે લીડ્ઝમાં અશાંતિના સમાચારથી આઘાતમાં છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
રમખાણો અંગે પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
લીડ્ઝ શહેરમાં અચાનક ફાટી નીકળેલા આ રમખાણો અંગે 26 વર્ષની રિસાએ કહ્યું કે તોફાનીઓ પોલીસ વાન પર પણ હુમલો કરી રહ્યા હતા. તેઓ પથ્થરોથી માંડીને પીણાં અને કચરો જે કંઈ મળે તે પોલીસ વાન પર ફેંકી રહ્યા છે.
રિસાએ જણાવ્યું કે આ વિસ્તારમાં તોફાનીઓએ એક બસને ઘેરી લીધી હતી. બસના ડ્રાઈવરે બસને ત્યાંથી હટાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે તેમ કરી શક્યો નહીં ત્યારે તેણે બસ ત્યાં જ છોડી દીધી અને જીવ બચાવવા ભાગી ગયો.
ગિપ્ટન અને હેરહિલ્સ કાઉન્સિલર સલમા આરિફે સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. તેમણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે હાલ હેર હિલ્સમાં સ્થિતિ સારી નથી.
લીડ્ઝમાં રમખાણો શા માટે થયા?
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી દ્વારા બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે અને ચાઈલ્ડ કેર હોમમાં રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બાળકોને આ રીતે માતાપિતાથી દૂર કરી ચાઈલ્ડ કેર હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. હકીકતમાં, જો વહીવટીતંત્રને લાગે છે કે પરિવારના સભ્યોની દેખરેખ હેઠળ બાળકનો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો નથી, તો આવા બાળકોને બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવે છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.








