VIDEO: વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસની કાર્યવાહી, આરોપીઓ સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
અમદાવાદના રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં 18 જુલાઈના રોજ થયેલા બ્લાસ્ટમાં કુલ 10 લોકોના કરૂણ મોત

અમદાવાદના રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં 18 જુલાઈના રોજ થયેલા બ્લાસ્ટમાં કુલ 10 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે 20મી જુલાઈએ આરોપીને ઘી કાંટા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના રિમાન્ડ બાદ પોલીસ મેહુલ ડોડીયા અને સાદિકને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું હતું.
પોલીસે શું કહ્યું?
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના બંને આરોપી સાદિક અને મેહુલને પોલીસ 20મી જુલાઈએ પંચનામું કરવા અર્થે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનો તાગ મેળવવાની કાર્યવાહી કરી હતી. જેને લઈને પોલીસે જણાવ્યું હતું કે, 'બનાવ સમયે આરોપી કે ભોગ બનનાર વ્યક્તિ કઈ જગ્યા હતા, કઈ રીતે ઘટના ઘટી, તે બાબતે આરોપીને ઘટનાસ્થળે લાવી જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આરોપના ફોન ઘટનામાં સળગી ગયા હોવાનું જણાવતા તેની તપાસ ચાલી રહી છે. એક જ જગ્યાએ મેહુલ અને સાદિકના અલગ અલગ યુનિટ હતા. આ જગ્યા ભાડાના હતી, જેનું 15000 જેટલું ભાડું હતું. જમીન માલિકની હાલ પૂછપરછ કરવાની કામગીરી ચાલી રહી છે.'
ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા
પોલીસે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબહેન ડોડિયા અને સાદિક સૈયદને કોર્ટ સમક્ષ રજૂ કરીને સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી. આર. ઠાકુરની કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.






