VIDEO: પ્રયાગરાજથી દિલ્હી જતી સ્પાઇસજેટ ફ્લાઇટનું AC બંધ પડતાં મુસાફરો અકળાયાં
હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સુવિધાને લઈને ફરી એકવા

હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સુવિધાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રયાગરાજ (Prayagraj) થી દિલ્હી (Delhi) જઈ રહેલી સ્પાઇસજેટ (SpiceJet) ની ફ્લાઇટમાં અધવચ્ચે જ એર કન્ડીશનર (AC) બંધ થઈ જતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભયંકર ગૂંગળામણ અને ગરમીના કારણે પ્લેનની અંદર અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral) થઈ રહ્યો છે.
બોર્ડિંગ પાસથી હવા નાખવા મજબૂર બન્યા પેસેન્જર્સ
મળતી માહિતી મુજબ, આ ફ્લાઇટ મંગળવારે સવારે પ્રયાગરાજથી દિલ્હી જવા રવાના થઈ હતી. ટેક-ઓફ્ફ (Take-off) ના થોડા જ સમયમાં પ્લેનની અંદર કુલિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. પ્લેનમાં સવાર શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરો ગરમીથી બેહાલ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે હેરાન-પરેશાન થયેલા પેસેન્જર્સ પોતાના હાથમાં રહેલા બોર્ડિંગ પાસ (Boarding pass) અને ન્યૂઝપેપરથી હવા નાખવા મજબૂર બન્યા હતા. મુસાફરોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, એરલાઇન ટિકિટના પૂરા પૈસા વસૂલે છે પરંતુ બેઝિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહી છે. જોકે, ભારે હોબાળા બાદ ટેકનિકલ ખામી સુધારીને એસી ચાલુ કરવામાં આવ્યું હતું.
પ્રાઇવેટ બુકિંગ પર આવ્યું હતું પ્લેન
આ અંગે પ્રયાગરાજ એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, સ્પાઇસજેટની પ્રયાગરાજથી કોઈ રેગ્યુલર ફ્લાઇટ (Regular flight) નથી. આ વિમાન દેહરાદૂનથી મુસાફરોને લઈને સવારે પ્રયાગરાજ આવ્યું હતું અને તેને પ્રાઇવેટ ચાર્ટર (Private charter) તરીકે બુક કરવામાં આવ્યું હતું. એરલાઇને પ્રયાગરાજથી દિલ્હી માટે ખાલી સીટો પર કોમર્શિયલ બુકિંગ પણ લીધું હતું. આ સુવિધાના અભાવ અંગે એરલાઇન કંપની સાથે સત્તાવાર વાતચીત કરવામાં આવશે.
બીજી ઘટના: હિસાર એરપોર્ટ પર ચાર્ટર પ્લેનનું ખોટા રનવે પર લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી
બીજી તરફ હરિયાણાના હિસાર (Hisar) માં મંગળવારે એક મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ હતી. મુંબઈથી ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રાના પિતા નંદકિશોર ગોયન્કાના પાર્થિવ દેહને લઈને આવી રહેલું એક ચાર્ટર્ડ પ્લેન (Chartered plane) નવા રનવે (Runway) ને બદલે ભૂલથી જૂની એરસ્ટ્રીપ પર લેન્ડ થઈ ગયું હતું.
લેન્ડિંગ વખતે પ્લેન ત્યાં લાગેલી એક લાઇટ સાથે સામાન્ય અથડાયું હતું, જેના કારણે વિમાનને સામાન્ય નુકસાન થયું હતું. સદનસીબે પ્લેનમાં સવાર પરિવારના પાંચ સભ્યો સહિત તમામ લોકો સુરક્ષિત છે. એરપોર્ટ ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે કે પાયલોટથી આટલી મોટી ચૂક કઈ રીતે થઈ.







