NEWS 20 - 20: CM યોગીના માતા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીનો કેસ, પોલીસના સકંજામાં આવ્યો મૌલાના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મૌલાના હવે પોલીસના સકંજામાં છે. આ સમાચાર મળતા જ ગોરખપુર સિવિલ કોર્ટના વકીલોએ ભારે ઉત્સાહ સાથે મીઠાઈ વહેંચી પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો. જુઓ આ વિશેષ અહેવાલ.
ઉત્તર પ્રદેશના ગોરખપુર સિવિલ કોર્ટના વકીલોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાનાની ધરપકડને મીઠાઈ વહેંચીને વધાવી લીધી છે. રાજ્યના અંદાજે 80 જિલ્લાઓમાં નોંધાયેલી ફરિયાદો અને રજૂઆતોને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, જેના અંતે આરોપીને બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી દબોચી લેવામાં આવ્યો છે. એડવોકેટ અવનિશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, કોઈપણ ધર્મ કે વ્યક્તિ વિરુદ્ધ આવી અપમાનજનક ટિપ્પણી સાંખી લેવામાં આવશે નહીં અને કાયદાકીય કાર્યવાહી અનિવાર્ય છે.
આ ધરપકડ બાદ કાયદાના રક્ષકોમાં ભારે સંતોષ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. વકીલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અભિવ્યક્તિની આઝાદીના નામે મર્યાદા ઓળંગનાર તત્વો સામે આ કડક સંદેશ છે. આગામી સમયમાં આવા અસામાજિક તત્વો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ચાલુ રાખવાની માંગ સાથે વકીલોએ એકતા પ્રદર્શિત કરી હતી.





