પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને નવા વર્ષે હોસ્પિટલમાંથી મળી રજા, ફેન્સને આપી આ સલાહ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને 10 દિવસની સારવાર બાદ મુંબઈના થાણેની આકૃતિ હોસ્પિટલમ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને 10 દિવસની સારવાર બાદ મુંબઈના થાણેની આકૃતિ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કાંબલીને 21 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ચક્કર આવતા હતા અને સ્નાયુમાં તાણ અને યુરીન ઇન્ફેકશનની ફરિયાદ પણ હતી. આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું અને તાજેતરમાં જ તેમને સ્ટ્રોક આવ્યો હતો. આવી સ્થિતિમાં 10 દિવસની સારવાર બાદ હવે તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો: IPL 2025 / શુભમન ગિલ છોડી દેશે ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી? ફ્રેન્ચાઈઝીની ટ્વીટથી શરૂ થઈ અટકળો
ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને હોસ્પિટલથી નીકળ્યા
હોસ્પિટલમાંથી રજા મળતા કાંબલી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરેલા જોવા મળ્યા હતા. કાંબલી પહેલાથી સ્વસ્થ દેખાઈ રહ્યા છે. જોકે, તેમને ચાલવામાં તકલીફ છે અને તેઓ ટેકો લઈને ચાલી રહ્યા હતા. તેમને કારમાં બેસવા માટે પણ મદદ લેવી પડે છે.
ફેન્સને આપી સલાહ
નવા વર્ષ નિમિત્તે હોસ્પિટલમાંથી રજા મળતા કાંબલીએ પોતાના ફેન્સને સલાહ આપતા કહ્યું કે, નવા વર્ષમાં દારૂ અને અન્ય નશાથી દૂર રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે કોઈપણ વ્યસન જીવનને નષ્ટ કરી શકે છે. કાંબલીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરશે. ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને કાંબલીએ ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સારવાર દરમિયાન ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો
સારવાર દરમિયાન કાંબલીના ડાન્સનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કાંબલી 'ચક દે' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હોસ્પિટલના રૂમમાં ડાન્સ કરતી વખતે કાંબલીને ખુશ દેખાઈ રહ્યા હતા. જે જોઇને તેમના ચાહકો અને શુભેચ્છકોને ઘણી રાહત થઈ હતી.






