મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લુણાવાડા નજીક હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતાં પાંચ કર્મીઓ ડૂબ્યાં, જાણો કોણ છે પ્લાન્ટનો માલિક?

ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે, ત્યારે મહીસાગરના ક

ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે, ત્યારે મહીસાગરના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં તાત્રોલી પાસે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. સમગ્ર ઘટનામાં પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા 5 કર્મચારીઓ પ્લાન્ટના કૂવામાં ગુમ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સમગ્ર મામલે પ્લાન્ટ સંચાલકોની બેદરકારીનો આરોપ લાગ્યા છે.

પ્લાન્ટના કૂવામાં 5 કર્મચારી ગુમ

મળતી માહિતી મુજબ, કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં આજે ગુરુવારે (4 સપ્ટેમ્બર) પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ગરકાવ થયા છે.

પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીએ શું કહ્યું?

પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી મનીષભાઈ માછીએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. તે સમયે મશીન રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કર્મચારીઓએ પાણીનું લેવલ પૂછ્યું હોવા છતાં ફરજ પરના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી. મનીષભાઈના આક્ષેપ મુજબ, ઘનશ્યામ પટેલ અને દિનેશ દવે સહિતના અધિકારીઓ ઘટના બાદ ભાગી ગયા હતા. દુર્ઘટના સમયે લગભગ 15 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી પાંચ ડૂબી ગયા અને અન્ય તરતા આવડતું હોવાથી બચી ગયા. કેટલાકને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે.

મોરબી ઝૂલતા પુલના સંચાલકનો પ્લાન્ટ?

મનીષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ હાઈડ્રો પાવર પ્લાન્ટ 'અજંતા પાવર પ્રોજેક્ટ'ના નામે ચાલી રહ્યો છે, જે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું, જે કંપનીની બેદરકારી સૂચવે છે.

આ સમાચાર શેર કરો