એન્જિન રૂમ ખાલી કરો', પછી ચાલી 3 ગોળીઓ, ઇરાની જહાજ પર અમેરિકાના હુમલાનો VIDEO
ઓમાનની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ

ઓમાનની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી નૌકાદળની નાકેબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા ઈરાની કાર્ગો જહાજ 'ટૂસ્કા' (MV Tuska) પર અમેરિકાએ ભયાનક હુમલો કરી તેને પોતાના કબજામાં લઈ લીધું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ સમગ્ર સૈન્ય કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે, જેમાં અમેરિકી સૈનિકોની ચેતવણી અને ફાયરિંગ સ્પષ્ટ જોઈ શકાય છે.
'એન્જિન રૂમ ખાલી કરો' - કહીને અમેરિકાએ વરસાવી ગોળીઓ
જાહેર કરાયેલા વીડિયોમાં સાંભળી શકાય છે કે અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાની જહાજને અનેકવાર ચેતવણી આપવામાં આવી હતી. સૈનિકોએ લાઉડસ્પીકર પર કહ્યું, "મોટર વેસલ ટૂસ્કા, તમારા એન્જિન રૂમને ખાલી કરો. અમે તમને રોકવા માટે હુમલો કરવા જઈ રહ્યા છીએ." આ ચેતવણીના થોડા જ સમય બાદ અમેરિકી યુદ્ધજહાજ USS Spruance દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર સીધો જહાજના એન્જિન રૂમને નિશાન બનાવીને કરાયો હતો, જેના કારણે જહાજમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ અમેરિકી મરીન્સે જહાજ પર ચઢીને તેને નિયંત્રણમાં લીધું હતું.
શા માટે થયો હુમલો?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઈરાની જહાજ હોર્મુઝ પાસે અમેરિકી નાકેબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ જહાજ બંદર અબ્બાસ તરફ જઈ રહ્યું હતું અને 6 કલાક સુધી અમેરિકાની સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. ટ્રમ્પે ઉમેર્યું કે, "અમે હવે તપાસ કરી રહ્યા છીએ કે આ જહાજમાં શું છુપાવેલું છે."
ઈરાનનો વળતો પ્રહાર: અમેરિકી જહાજો પર ડ્રોન છોડ્યા
ઈરાને અમેરિકાની આ કાર્યવાહીને 'દરિયાઈ લૂંટ' (Piracy) ગણાવી છે. વળતો જવાબ આપતા ઈરાને ઓમાન સાગરમાં તૈનાત અમેરિકી વિનાશક જહાજો (Destroyers) તરફ ડ્રોન ફ્લીટ લોન્ચ કરી દીધી છે. ઈરાની સૈન્ય કમાન્ડે કસમ ખાધી છે કે તેહરાન ટૂંક સમયમાં જ આનો આકરો બદલો લેશે.




