VIDEO: સ્વાતિ માલીવાલ મારપીટ ઘટનાના સીસીટીવી ફૂટેજ, મહિલા ગાર્ડનો હાથ ઝાટકતાં દેખાયા
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિતરૂપે મારપીટની ઘટના મામલે હવે વધુ એક વીડિયો સામે આવ્યો

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિતરૂપે મારપીટની ઘટના મામલે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મુખ્યમંત્રી નિવાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી લેવાયો છે. આ વીડિયો હવે જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં તેમને પગ અને મોઢા પર આંખના નીચેના ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.
વીડિયોમાં શું દેખાયું?
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ સીએમ નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વીડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે.
અગાઉ પણ એક વીડિયો સામે આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી કેજરીવાલના પીએ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પણ આ ઘટના અંગેનો વીડિયો સામે આવ્યો હતો જેના બાદથી સ્વાતિ માલીવાલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા.
જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને AAP સાંસદ સ્વાતિ માલીવાલની મારપીટની ફરિયાદ પર ગુરૂવારે મોડી રાત્રે પોલીસે કેસ નોંધ્યો હતો. એ પછી તપાસ તેજ કરી છે. શુક્રવારે સાંજે સ્વાતિ સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચીને લગભગ 45 મિનિટ સુધી ક્રાઈમ સીન રીક્રિએટ કરીને હાજર કર્મચારીઓની પૂછપરછ કરી. ફોરેન્સિક ટીમે કેટલાક સેમ્પલ લીધા હતા.






