સત્તાની લાલચમાં ભાજપની વિચારધારા કોરાણે મુકાઈ, અકોટમાં AIMIM સાથે હાથ મિલાવ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે, જેણે સૌને અચરજ પમાડ્યો છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે, જેણે સૌને અચરજ પમાડ્યો છે. અહીં અકોલા જિલ્લાની અકોટ નગર પરિષદમાં BJPએ વિચારધારાને કોરાણે મૂકતાં સત્તા મેળવવા માટે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કરી લીધું છે. થાણેના અંબરનાથમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ ભાજપના આ પગલાથી શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે ભાજપ, કોંગ્રેસ અને AIMIM ત્રણેય પર આકરા પ્રહાર કર્યાં છે.
શું છે અકોટનું રાજકીય ગણિત?
અકોટ નગર પરિષદની તાજેતરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માયા ધુલે મેયર પદે તો ચૂંટાઈ આવ્યા, પરંતુ 35 સભ્યોની નગરપાલિકામાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. 33 બેઠકોના પરિણામોમાં ભાજપને માત્ર 11 બેઠકો મળી હતી. બહુમતીના આંકડાથી દૂર રહેવાને કારણે, ભાજપે સત્તા સ્થાપિત કરવા માટે ‘અકોટ વિકાસ મંચ’ નામના એક નવા ગઠબંધનની રચના કરી.
નવા સમીકરણ ચોંકાવનારા
આ ગઠબંધનમાં સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે 5 બેઠકો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી બનેલી AIMIM ભાજપની સહયોગી બની ગઈ. આ મંચમાં શિંદે જૂથની શિવસેના, અજિત પવારની NCP, શરદ પવારની NCP અને બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ પાર્ટી પણ સામેલ છે. આ નવા ગઠબંધનને અકોલા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સત્તાવાર રીતે રજીસ્ટર પણ કરાવી દેવામાં આવ્યું છે. આ નવા સમીકરણ બાદ, ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન પાસે કુલ 25 સભ્યોનું સમર્થન થઈ ગયું છે, જ્યારે કોંગ્રેસની 6 અને વંચિત બહુજન અઘાડીની 2 બેઠકો વિપક્ષમાં બેસશે.
AIMIMના નેતાએ હાથ ખંખેર્યાં
AIMIMના વરિષ્ઠ નેતા અને સાંસદ ઈમ્તિયાઝ જલીલે આ ગઠબંધનથી અજાણ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું, "મને આ વાતની જાણકારી નથી. મેં મારા સ્થાનિક નેતાઓ પાસેથી આ અંગે પૂછ્યું છે. ભાજપ સાથે કોઈપણ કિંમતે કોઈ ગઠબંધન નહીં થાય. જો અમારા નેતાઓએ આવી કોઈ વાત કરી હશે, તો તેમની સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે."
સંજય રાઉતનો ભાજપ અને કોંગ્રેસ પર આકરો પ્રહાર
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના આ પગલા પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, 'ભાજપ અંબરનાથમાં કોંગ્રેસ સાથે છે અને અકોટમાં AIMIMને સમર્થન આપી રહી છે. આ એ જ ભાજપ છે જે કોંગ્રેસ-મુક્ત ભારતની વાતો કરતી હતી, પરંતુ આજે પોતે કોંગ્રેસ અને ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરી રહી છે.' આ ઉપરાંત તેમણે AIMIM અને ભાજપને ‘બેમુખા અળસિયા’ ગણાવતા કહ્યું કે, 'સમગ્ર મહારાષ્ટ્રમાં ક્યાંક ખુલ્લી તો ક્યાંક છૂપી યુતિ ચાલી રહી છે.'
કોંગ્રેસ પર પણ સવાલ ઉઠાવતા સંજય રાઉતે કહ્યું કે, 'ભાજપનું આ વલણ આશ્ચર્યજનક છે અને જનતા બધું જોઈ રહી છે. આ ગઠબંધનોએ સ્પષ્ટ કરી દીધું છે કે સત્તા માટે વૈચારિક મતભેદોને પણ નેવે મૂકવામાં આવી રહ્યા છે, અને આ જ મુદ્દો આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણને વધુ ગરમાવશે તે નિશ્ચિત છે.'








