30 વર્ષથી સત્તામાં હોવાને કારણે ભાજપમાં અહંકાર આવી ગયો છે; કેજરીવાલનો પ્રહાર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી.કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવાથી તેમને અહંકાર આવી ગયો છે કે, તેમને કોઈ સત્તા પરથી હટાવી નહીં શકે.
તેમણે ભાજપ સરકારને અંગ્રેજો જેવી અહંકારી ગણાવી હતી અને કહ્યું કે દંડા અને અશ્રુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દારૂ વેચતા લોકો પર ભાજપ કાર્યવાહી નથી કરતી, પરંતુ કડદા પ્રથા દૂર કરવા માટે એકઠા થયેલા ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે. તેમણે માંગ કરી હતી કે જે 88 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, તેમાંથી હજુ જેલમાં બંધ 42 ખેડૂતોને તાત્કાલિક છોડી મૂકવામાં આવે.
કેજરીવાલે હડદડ ખાતે બનેલ બનાવને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન છેડવામાં આવ્યું હતું, તે જ રીતે હડદડનું આંદોલન ભાજપ માટે ગુજરાત છોડો પ્રકારનું સાબિત થશે. તેમણે જેલમાં બંધ ખેડૂતોને ખાતરી આપી હતી કે, બે મહિનાથી કેટલાક લોકો હજુ પણ જેલમાં બંધ છે, એક એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું."
તેમણે પોતાના પર થયેલી ખોટી FIRનો ઉલ્લેથ કર્યો હતો. કેજરીવાલે દાવો કર્યો હતો કે, બે વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની રહી છે. તેમણે વચન આપ્યું હતું કે, અમારી સરકાર આવશે ત્યારે તમામ ખોટી FIR અમે રદ્દ કરીશું. તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, પંજો અને કમળ એક જ છે અને જામનગરનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયાને જૂતું માર્યું હતું.








