VIDEO : યુપીમાં પ્રચંડ ગરમી વચ્ચે વરસાદ અને કરા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક, 35 જિલ્લામાં ‘એલર્ટ’

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી આખરે જનતાને મોટી રાહત મળી

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી આખરે જનતાને મોટી રાહત મળી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે પ્રચંડ ગરમીનું જોર ઘટ્યું છે અને ઠેર-ઠેર મેઘમહેર થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ સુહાનુ બન્યું છે.

નોઈડા અને ગાઝિયાબાદમાં કરા સાથે વરસાદ

દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગ્રેટર નોઈડામાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અહીં બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. ત્યારબાદ અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ગાઝિયાબાદમાં પણ મોટા કદના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અચાનક આવેલા વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

જાહેરાત

35 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં હજુ પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. વિભાગ દ્વારા રાજધાની લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત રાજ્યના કુલ 35 જિલ્લાઓમાં વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તેજ પવનની આગાહી

વરસાદની સાથે સાથે વહીવટીતંત્ર અને હવામાન વિભાગે પવનની ગતિને લઈને પણ ચેતવણી આપી છે. રાજ્યના 11 જિલ્લાઓમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવી સ્થિતિને જોતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા સલાહ આપવામાં આવી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત