VIDEO: બનાસકાંઠાના ધાનેરામાં 4 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ, માર્ગો પાણીમાં ગરકાવ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (11મી સપ્ટેમ્બર) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (11મી સપ્ટેમ્બર) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ધાનેરામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે ધાનેરાના રસ્તાઓ અને બજારોમાં પાણી ફરી વળ્યા છે.
ધાનેરામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા
ધાનેરામાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજાર, ધાનેરા નગર પાલિકા, હિંગળાજ નગર વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે, મોડીરાતથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.






