World news: 6.5 કિલોના નવજાતનો જન્મ થતા તબીબો પણ ચોંકી ઉઠયા, જાણો કયા દેશમાં બન્યો રેકોર્ડ

World news: બાળકનો જન્મ થવો એ કોઈપણ પરિવાર માટે અત્યંત આનંદના સમાચાર ગણાય. જોકે, દુનિયામાં દરરોજ પોણા ત્રણ લાખ કરતાં વધુ સંખ્યામાં બાળકો જન્મતાં હોવાથી બાળજન્મ એ બહુ સહજ ઘટના ગણાય છે. પણ, લાખોમાં એક કિસ્સો એવો બનતો હોય છે જ્યારે કોઈ એક બાળકના જન્મને લીધે આખી દુનિયાનું ધ્યાન એના તરફ ખેંચાય છે. તાજેતરમાં એક બાળક જન્મ્યું છે જેણે જન્મતાંવેંત વિશ્વવિક્રમ સર્જ્યો હોવાથી આખી દુનિયામાં એ ચર્ચાસ્પદ બની ગયું છે.
શું છે ઘટના?
બન્યું એવું કે, 3 સપ્ટેમ્બરના દિવસે અમેરિકાના ફ્લોરિડાની ડેનિએલા હાઇન્સે એક બાળકને જન્મ આપ્યો હતો, જેનું વજન 6.2 કિલોગ્રામ હતું! સામાન્ય રીતે નવજાત શિશુનું વજન આશરે 3.2 કિલો હોય છે, જ્યારે કે ડેનિએલાનું બાળક તો લગભગ બમણું ‘વજનદાર’ છે. બાળકનો જન્મ થતાં જ હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગઈ હતી. વાત મીડિયામાં ચગતાં આ બાળક તરફ આખી દુનિયાનું ધ્યાન દોરાયું છે. બાળકનું નામ અન્નાન રાખવામાં આવ્યું છે.
આટલા વજન પાછળનું કારણ શું હોઈ શકે?
અન્નાનના માતા ડેનિએલા હાઇન્સ અને પિતા આન્દ્રે સિનિયર બંનેની શારીરિક ઊંચાઈ 6 ફૂટથી વધારે છે, તેથી નિષ્ણાતોનું કહેવું છે કે માતા-પિતાના ‘જીન્સ’ની આવી વિશેષતા અન્નાનમાં જન્મથી જ એના વજન રૂપે દેખાવા લાગી છે. નિષ્ણાતોનું કહેવું છે કે અન્નાન કદમાં તેના માતા-પિતા કરતાં પણ વધુ ઊંચો થાય એની શક્યતા ઘણી વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્નાનના મોટા ભાઈનું વજન પણ જન્મ સમયે 5.5 કિલો જેટલું હતું.
6.5 કિલોનું વજન છતાં વિશ્વવિક્રમ નહીં
અન્નાનનું વજન અસામાન્ય હોવા છતાં એની આ સિદ્ધિ વિશ્વવિક્રમ તરીકે નહીં નોંધી શકાય, કારણ કે 6.5 કિલોનું વજન હોવા છતાં અન્નાન વિશ્વના સૌથી વધુ વજનદાર નવજાત કરતાં ખાસ્સો હળવો છે!
વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી ભારે બાળક 1879 માં અમેરિકાના ઓહાયોમાં જન્મ્યું હતું, જેનું જન્મ સમયનું વજન 9.98 કિલો હતું! એનો ઉલ્લેખ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં છે. એ બાળક જન્મ સમયે 28 ઈંચ લાંબુ હતું, એ પણ એક વિશ્વવિક્રમ છે. અફસોસ કે જન્મ્યાના 11 કલાક પછી એ મૃત્યુ પામ્યું હતું.
1955માં ઈટાલીમાં જન્મેલા બાળકનું વજન 9.97 કિલો હતું!
એ ઉપરાંત બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોમાં 9 કિલો કરતાં વધુ વજન ધરાવતાં બાળકો જન્મી ચૂક્યાં છે.
ભારતનું સૌથી વજનદાર નવજાત કયું?
સૌથી વજનદાર બાળકનો ભારતમાં નોંધાયેલો રેકોર્ડ 6.82 કિલોનો છે. મે, 2016માં કર્ણાટકના હસનમાં એ બાળકીનો જન્મ થયો હતો.

