નેતન્યાહુ યુગનો આવશે અંત? ગાદી આઇઝનકોટ પાસે 67 સાંસદોનું સમર્થન, 7 ઓક્ટોબરના હુમલાની સ્વતંત્ર તપાસ સહિત આ મોટા ફેરફારોની તૈયારી!

ઈઝરાયલના રાજકારણમાં ભારે ઉત્તેજના અને રાજકીય કટોકટી વચ્ચે એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. દેશના કાર્યવાહક વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફરી એકવાર સત્તા પર આવતા રોકવા માટે વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ દ્વારા ઈઝરાયલી સંસદ (નેસેટ)માં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને વિશેષ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે ભ્રષ્ટાચારના ગંભીર કેસો કે મુકદ્દમાનો સામનો કરી રહેલા કોઈ પણ નેતા વડાપ્રધાન પદ પર બિરાજિત થઈ શકશે નહીં. નોંધનીય છે કે હાલમાં નેતન્યાહુ સામે ભ્રષ્ટાચારના 3 અલગ-અલગ કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે, જેના કારણે જો આ બિલ સંસદમાં પસાર થઈ જશે તો નેતન્યાહુ ભવિષ્યમાં ક્યારેય ઈઝરાયલના વડાપ્રધાન બની શકશે નહીં. ગાદી આઇઝનકોટ અને તેમના સહયોગીઓ દ્વારા સંસદમાં કુલ 8 જેટલા સુધારા બિલ પેશ કરવામાં આવ્યા છે. આ પ્રસ્તાવિત બિલોમાં ઈઝરાયલના રાજકીય માળખામાં કેટલાક મૂળભૂત ફેરફારો કરવાની માંગ કરાઈ છે:
પીએમનો કાર્યકાળ સીમિત થશે
આઇઝનકોટની માંગ છે કે વડાપ્રધાન પદ પર રહેવાની મહત્તમ સમયસીમા નક્કી કરવામાં આવે, જેથી નેતન્યાહુ જેવા નેતાઓ અસિમિત સમય સુધી સત્તા પર કબજો જમાવી ન રાખે. ઉલ્લેખનીય છે કે નેતન્યાહુ ઈઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબો સમય પીએમ રહેવાનો રેકોર્ડ ધરાવે છે.
હમાસના હુમલાની સ્વતંત્ર તપાસ
7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા થયેલા ભયાનક હુમલા અગાઉ ઈઝરાયલી ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની ચૂક અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટાયેલા સ્વતંત્ર આયોગ મારફતે તપાસ કરાવવાની માંગ કરાઈ છે, જેમાં નેતન્યાહુ સરકારની જવાબદારી નક્કી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટ અને સંસદમાં ફેરફાર
નેતન્યાહુ સરકારે અદાલતોની તાકાત ઘટાડતા જે કાયદા બનાવ્યા હતા તેને રદ્દ કરીને ન્યાયતંત્રની શક્તિ પુનઃસ્થાપિત કરવી તથા સંસદના વર્તમાન સ્પીકર ઓહાનાને હટાવીને નેતન્યાહુ મુક્ત સંસદ ચલાવવી. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે નવી સરકાર રચવાની સત્તાવાર જવાબદારી ગાદી આઇઝનકોટને સોંપી છે. આઇઝનકોટ પાસે સંસદમાં બહુમતી સાબિત કરવા માટે 6 અઠવાડિયાનો સમય છે. 120 સભ્યોની સંસદમાં સરકાર બનાવવા માટે 61 સાંસદોના સમર્થનની જરૂર હોય છે. હાલમાં આઇઝનકોટના ગઠબંધનને 6 પક્ષોના 67 સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે, જ્યારે નેતન્યાહુ પાસે માત્ર 46 સાંસદોનું જ પીઠબળ છે.
નેતન્યાહુને સત્તાથી દૂર રાખવા માટે અરબ પાર્ટીઓએ આઇઝનકોટને સમર્થન આપવાની જાહેરાત કરી છે, પરંતુ બદલામાં તેમણે 'કામિનિત્ઝ કાયદો' રદ્દ કરવાની શરત મૂકી છે. આ કાયદા હેઠળ સરકારી મંજૂરી વિના બનેલા મકાનો પર દંડ અને તેમને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવે છે.
નેતન્યાહુ સમર્થકોની ગૃહયુદ્ધની ચેતવણી
બીજી તરફ ગાદી આઇઝનકોટ દ્વારા અરબ પક્ષોના સમર્થનથી સરકાર બનાવવાના પ્રયાસો સામે નેતન્યાહુના સમર્થકો અને દક્ષિણપંથી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. યરૂશાલેમમાં સંસદ ભવન બહાર હજારો લોકોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 'અમને યહૂદી રાષ્ટ્ર જોઈએ છે' તથા 'આંતકવાદીઓના સહયોગીઓ સાથે સરકાર ન બનાવો' જેવા નારા લગાવ્યા હતા. દક્ષિણપંથી જૂથોએ ચેતવણી આપી છે કે જો અરબ પક્ષોની મદદથી સરકાર રચવામાં આવશે તો દેશમાં આંતરિક ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે.









