અવકાશમાં AI ડેટા સેન્ટરની દોડ કેમ? Googleનું Project Suncatcher શું છે?

પૃથ્વી પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ સાથે ડેટા સેન્ટર્સની માંગ ઝડપથી વધી રહી છે. જોકે ડેટા સેન્ટર્સમાં ભારે વીજળી અને પાણીનો વપરાશ થતો હોવાથી પર્યાવરણ અને કુદરતી સંસાધનો પર દબાણ વધી રહ્યું છે. હવે આ સમસ્યાનો ઉકેલ પૃથ્વી બહાર શોધવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે. Google અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી યોજનાને Project Suncatcher નામ આપવામાં આવ્યું છે.
Project Suncatcher શું છે?
Googleના Project Suncatcherનો હેતુ પૃથ્વીની નીચલી કક્ષામાં (Low Earth Orbit-LEO) સોલર એનર્જીથી ચાલતા AI ડેટા સેન્ટર્સ સ્થાપિત કરવાનો છે. અવકાશમાં સૂર્યપ્રકાશ લાંબા સમય સુધી ઉપલબ્ધ હોવાથી સોલર પાવરનો વધુ ઉપયોગ કરી શકાય છે. કંપનીનું માનવું છે કે આ રીતે પૃથ્વી પર ડેટા સેન્ટર્સ માટે જરૂરી વીજળી અને પાણીના વપરાશનું દબાણ ઘટાડી શકાય છે.
જો આ પ્રયોગ સફળ રહે છે, તો ભવિષ્યમાં ડેટા સેન્ટર્સની દોડ માત્ર પૃથ્વી સુધી મર્યાદિત નહીં રહે અને અવકાશમાં પણ તેનો વિસ્તાર થઈ શકે છે.
અવકાશમાં ડેટા સેન્ટર બનાવવું આટલું મુશ્કેલ કેમ?
અવકાશમાં સૌથી મોટો પડકાર ડેટા સેન્ટરને ઠંડું રાખવાનો છે. વેક્યૂમમાં હવા ન હોવાથી સામાન્ય કૂલિંગ ફેન કામ કરી શકતા નથી. AI ચિપ્સ ભારે ગરમી ઉત્પન્ન કરે છે, તેથી આ ગરમી દૂર કરવા માટે ખાસ કૂલિંગ સિસ્ટમ જરૂરી બને છે.
બીજો મોટો પડકાર ખર્ચ છે. અંદાજ પ્રમાણે અવકાશમાં 1 ગીગાવોટનું ડેટા સેન્ટર બનાવવા માટે લગભગ 51.5 અબજ ડોલર ખર્ચ થઈ શકે છે, જ્યારે પૃથ્વી પર સમાન ક્ષમતાના સેન્ટર માટે આશરે 16 અબજ ડોલર ખર્ચ થાય છે.
અવકાશમાં કોઈ ચિપ કે હાર્ડવેર ખરાબ થાય તો તેની મરામત કરવી પણ અત્યંત મુશ્કેલ છે. મોટા ડેટા સેન્ટરને નાના ભાગોમાં અવકાશમાં લઈ જઈને રોબોટ્સની મદદથી એસેમ્બલ કરવું પડશે.
સેટેલાઇટ અને સ્પેસ ડેબ્રિસનો પણ ખતરો
મોટી સંખ્યામાં સેટેલાઇટ્સનો નેટવર્ક ઉભો કરવાથી સ્પેસ ડેબ્રિસ (Space Debris) વધવાનો ખતરો છે. સેટેલાઇટ્સ વચ્ચે અથડામણ થાય તો GPS અને હવામાન જેવી મહત્વપૂર્ણ સેવાઓને નુકસાન થઈ શકે છે.
વધુ રૉકેટ લોન્ચ થવાથી પ્રદૂષણ વધવાની અને ઓઝોન સ્તર પર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં તેજસ્વી સેટેલાઇટ્સથી રાત્રિના આકાશમાં કુદરતી તારાઓ જોવામાં પણ મુશ્કેલી થઈ શકે છે.
Googleએ તૈયારીઓ કેવી રીતે કરી?
Googleએ Project Suncatcher માટે અનેક ટેકનિકલ ટેસ્ટ કર્યા છે. ફેબ્રુઆરી 2025માં AI ચિપ્સ એટલે કે Tensor Processing Units (TPU) પર રેડિયેશન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ચિપ્સને પાંચ વર્ષ સુધી અવકાશમાં મળતા રેડિયેશન જેટલી અસર આપવામાં આવી હતી. ટેસ્ટમાં જાણવા મળ્યું કે રેડિયેશનથી થતી કેટલીક ડેટા ભૂલો ચિપને રિસ્ટાર્ટ કરીને સુધારી શકાય છે.
આ ઉપરાંત સેટેલાઇટને રૉકેટ લોન્ચ દરમિયાન આવતા ભારે કંપન અને ઝટકાનો સામનો કરી શકે છે કે નહીં તે માટે વાઇબ્રેશન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
ખાસ કૂલિંગ સિસ્ટમ તૈયાર
અવકાશમાં હવા વગરના વાતાવરણને ધ્યાનમાં રાખીને Googleએ ખાસ કૂલિંગ સિસ્ટમ તૈયાર કરી છે. તેમાં થર્મલ ઈન્ટરફેસ મટિરિયલ, તાંબા અને એલ્યુમિનિયમની પરતો, હીટ પાઇપ્સ તથા રેડિયેટર પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું પરીક્ષણ થર્મલ વેક્યૂમ ચેમ્બરમાં કરવામાં આવ્યું છે.
Googleએ સેટેલાઇટ કંપની Planet Labs સાથે ભાગીદારી કરીને ચાર TPU ચિપ્સને તૈયાર સેટેલાઇટ ફ્રેમમાં સ્થાપિત કરી છે.
સફળતા મળે તો શું ફાયદો થશે?
Project Suncatcher સફળ થાય તો સૌથી મોટો ફાયદો સતત મળતી સોલર એનર્જીનો થઈ શકે છે. પૃથ્વીની નીચલી કક્ષામાં સેટેલાઇટ્સને લગભગ સતત સૂર્યપ્રકાશ મળતો હોવાથી તેઓ પૃથ્વી કરતાં અનેકગણી વધુ સોલર એનર્જી મેળવી શકે છે.
તેના કારણે AI ડેટા સેન્ટર્સ માટે જરૂરી ઊર્જા પૂરી કરવામાં મદદ મળી શકે છે અને પૃથ્વી પરના પાવર ગ્રિડ (Power Grid) પર વધતું દબાણ પણ ઘટી શકે છે. જોકે આ ટેક્નોલોજીને વ્યાપારી સ્તરે પહોંચાડવા માટે ખર્ચ, કૂલિંગ, મરામત, સેટેલાઇટ સંચાર અને સ્પેસ ડેબ્રિસ જેવા પડકારો હજુ પણ મહત્વપૂર્ણ રહેશે.

