250 રૂપિયા આપો અને મૃત વ્યક્તિ સાથે વાત કરો! ચીનમાં AIની મદદથી બનાવવામાં આવી રહ્યા છે વર્ચ્યુઅલ હ્મુમન
ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો તેમના મૃત સ્વજનોને જીવતા કરી

ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો તેમના મૃત સ્વજનોને જીવતા કરીને તેમની સાથે વાતો કરી રહ્યા છે. તેમની કબર પર જઈને સેલિબ્રેટ કરી રહ્યા છે. આવું AIની મદદથી શક્ય બન્યું છે. AI ટૂલ મૃત વ્યક્તિને જીવતી કરીને પરિવારજનો સાથે વાતચીત કરાવે છે. આ પ્રકારનો નવો ટ્રેન્ડ ચર્ચાસ્પદ બન્યો છે. ઘણા લોકો તેને અયોગ્ય ગણીને ટીકા કરે છે, તો ઘણા એના સમર્થનમાં ઉતર્યા છે.
ચીનમાં અત્યારે પરંપરાગત તહેવાર ટોંબ-સ્વીપિંગ ઉજવાઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન પરિવારજનો તેમના મૃત સ્વજનોની કબર સ્વચ્છ કરે છે. શણગાર કરે છે, સમારકામ કરે છે અને તેમની સાથે વીતાવેલા સમયને યાદ કરે છે. આ તહેવાર તો સેંકડો વર્ષોથી ઉજવાતો આવ્યો છે, પરંતુ આ વર્ષે એ ખાસ એટલા માટે બન્યો છે કે મૃત સ્વજનોને જીવતા કરીને લોકો તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.
માન્યામાં ન આવે એવી આ વાત છે, પણ એવું શક્ય બન્યું છે AIની ટેકનિકથી. ચીનમાં AI ટૂલ્સથી મૃત લોકોનો ડિજિટલ અવતાર ક્રિએટ કરવામાં આવે છે. મૃત વ્યક્તિનો ફોટો, વીડીયો, ઓડિયો હોય તો એના આધારે AI ટૂલ તેમની એક ડિજિટલ આવૃત્તિ બનાવે છે. તેને ડિજિટલ હ્મુમન કે વર્ચ્યુઅલ હ્મુમન કહેવાય છે. એ આબેહૂબ માણસની પ્રતિકૃતિ જ હોય છે. તેના ચહેરાના હાવભાવ હોય છે, વાતો કરે છે. જેટલો ડેટા એમાં ઉમેરવામાં આવે એ પ્રમાણે એ વિષયની વાતો આ વર્ચ્યુઅલ હ્મુમન્સ કરે છે. ચીનમાં વર્ચ્યુઅલ હ્મુમન માત્ર 250 રૂપિયામાં પણ બની શકે છે. પછી જેમ જેમ ડિજિટલ અવતાર બહેતર બનાવવો હોય તેમ ફંડ વધારવામાં આવે છે.
20 યુઆન એટલે અંદાજે 250 રૂપિયામાં મૃત વ્યક્તિ જીવંત થઈ શકતી હોવાથી લોકોમાં તેમના ડિજિટલ અવતાર ક્રિએટ કરવાનો ક્રેઝ જામ્યો છે. એના કારણે ચીનમાં જ ડિજિટલ હ્મુમનનું વાર્ષિક માર્કેટ 13 હજાર કરોડને પાર પહોંચી ગયું છે અને 2025 સુધીમાં એમાં બમણો વધારો થાય એવી શક્યતા છે. જોકે, આ અંગે એક્સપર્ટ્સ બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઘણા લોકો મૃત વ્યક્તિના ડિજિટલ અવતાર બનાવવાને અયોગ્ય ગણે છે. ધાર્મિક દૃષ્ટિકોણ ધરાવતા લોકો તેને અનૈતિક ગણે છે અને કુદરતી ક્રમ સાથે બાંધછોડ થતી હોવાનો મત વ્યક્ત કરે છે. જોકે, તેની તરફેણ કરતા લોકોનો મત છે કે મૃતકના પરિવારજનોને તેનાથી માનસિક રાહત મળે છે. ડિજિટલ સ્વરૂપે સ્વજન તેમની વચ્ચે હોવાનું લાગે છે તો એમાં કંઈ ખોટું નથી. પોતાના મૃત સ્વજન સાથે જોડાઈ રહેવાનો આ નવો ટ્રેન્ડ ચીનમાં ઘણો પોપ્યુલર થઈ રહ્યો છે.
2024માં વર્ચ્યુઅલ હ્મુમનનું ગ્લોબલ માર્કેટ 17 અબજ ડોલરે પહોંચ્યું
20મી સદીમાં કમ્પ્યુટર ગ્રાફિકના પાયોનિયર વિલિયમ ફિધરે ગ્રાફિક એનિમેશનથી પહેલી વખત ડિજિટલ માનવની આકૃતિ બનાવી હતી. 80ના દશકામાં સાયન્સ ફિક્શન ફિલ્મો માટે આવા ગ્રાફિકલ આભાસી માનવો સર્જાવાનું શરૂ થયું. તેને સાયબરમેન, કોમ્બિમેન, હ્મુમન મોડલ સહિતના અલગ અલગ નામ મળ્યા હતા. 1997માં અમેરિકન કમ્પ્યુટર એનિમેટેડ શોર્ટ ફિલ્મ ગેરીસ ગેમને ઓસ્કર એવોર્ડ મળ્યો તે પછી એનિમેટેડ ફિલ્મ મેકિંગને ઉત્તેજન મળ્યું અને સાથે સાથે આભાસી માનવોના સર્જનનો દૌર શરૂ થયો.
21મી સદીમાં એનિમેટેડ ક્ષેત્રમાં વર્ચ્યુઅલ રિયાલિટીનું સંયોજન થયું અને એમાંથી સાવ નવા રિયલ ટાઈમ વર્ચ્યુઅલ હ્મુમનનો જન્મ થયો. એમાં વળી આટફિશિયલ ઈન્ટેલિજન્સનો સંયોગ થયો એટલે વર્ચ્યુઅલ હ્મુમનની એડવાન્સ્ડ જનરેશન આવી. હવે માત્ર ટીવી જાહેરાતો કે ફિલ્મો બનાવવા પૂરતો જ આ ડિજિટલ ક્લોનનો ઉપયોગ નથી થતો. વર્ચ્યુઅલ હ્મુમન એનાથી આગળ વધીને માણસના ભાવનાત્મક સાથીની ભૂમિકાએ પહોંચી ચૂક્યા છે.
2021માં વર્ચ્યુઅલ હ્મુમનનું વૈશ્વિક માર્કેટ 11.3 અબજ ડોલર હતું. 2024ની શરૂઆતમાં એ માર્કેટ વધીને 15-17 અબજ ડોલરને પાર પહોંચી ગયું છે. અંદાજ એવો છે કે 2030 સુધીમાં આભાસી માનવોની ડિમાન્ડ એટલી વધી જશે કે એનું ગ્લોબલ માર્કેટ 440 અબજ ડોલર જેટલું મોટું થઈ જાય તોય નવાઈ પામવા જેવું નહીં હોય. વર્ચ્યુઅલ હ્મુમન મેકિંગના માર્કેટનો વાષક વૃદ્ધિ દર 44 ટકાનો અંદાજવામાં આવે છે.








