VIDEO/ ટ્રમ્પના લગ્નજીવનમાં ભંગાણના સંકેત? એપસ્ટિન કેસમાં મેલેનિયાના નિવેદનથી અમેરિકી રાજકારણમાં ભૂકંપ
Melania Trump denies ties to Jeffrey Epstein: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પહેલીવાર એપસ્ટિન ફાઈલ્સ અંગે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મેલાનિયાએ જેફરી એપસ્ટિન સાથે કોઈ પણ પ્રકારના સંબંધોનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. મેલાનિયાએ તેમણે જણાવ્યું હતું કે, ‘મને અને એપસ્ટિનને જોડતા તમામ દાવાનો અંત આવવો જોઈએ.’ આ ઉપરાંત મેલાનિયાએ એપસ્ટિન કેસના પીડિતો માટે અમેરિકન સંસદમાં સુનાવણી કરવાની માંગ કરી છે. આ દરમિયાન તેમણે એ વાત પણ ફગાવી દીધી છે, જેમાં કહેવાતું હતું કે ‘જેફરીએ જ મેલાનિયાની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી.’ આ વાત તેમણે પાયાવિહોણી અને તેમની છબિ ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. બીજી તરફ, ટ્રમ્પે મેલાનિયાના ભાષણ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘મને મેલાનિયાના આ નિવેદન વિશે કંઈ જ ખબર નહોતી.’
કથિત ઈ-મેલ અને જૂના વિવાદો મુદ્દે સ્પષ્ટતા
મેલાનિયા ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, ‘હું ક્યારેય એપસ્ટિનની પીડિત રહી નથી. વર્ષ 2000માં મારી એપસ્ટિન સાથે એક નાની મુલાકાત થઈ હતી. એપસ્ટિનની સાથીદાર ગિલેન મેક્સવેલને પણ હું જાણતી નથી. તેની સાથે મારે કોઈ પરિચય નથી.’
એપસ્ટિન ફાઈલ્સમાં ખૂલેલા વર્ષ 2002ના એક ઈ-મેલ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે ‘તે માત્ર એક સામાન્ય વાતચીત હતી.’
જો કે, ભૂતકાળમાં લેખક માઈકલ વોલ્ફે તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે, ‘મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત એક એવા એજન્ટ દ્વારા થઈ હતી, જેનો સંબંધ એપસ્ટિન સાથે હતો.’ આ મુદ્દે પણ મેલાનિયાએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
મેલાનિયાના ભાષણથી ટ્રમ્પ પણ અજાણ હતા!
અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જેફરી એપસ્ટિન સાથેના સંબંધો પર જે રીતે ખૂલીને વાત કરી છે, તે જોઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘મેલાનિયા આ પ્રકારનું નિવેદન આપશે તેની મને અગાઉથી કોઈ જાણકારી જ નહોતી. ફર્સ્ટ લેડીના શું બોલવાના છે, તે હું ખરેખર નહોતો જાણતો. હા તેને જેફરી એપસ્ટિન સાથે કોઈ પરિચય ન હતો.’
ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસમાં આપેલા ભાષણ વખતે મેલાનિયા ખૂબ જ ગંભીર દેખાતા હતા. એક સમયે તેઓ ધ્રૂજતા હાથે નોટ્સ વાંચી રહ્યા હતા.
મેલાનિયા બાદ ટ્રમ્પના ચોંકાવનારા નિવેદનના કારણે હવે અમેરિકન પ્રમુખ અને ફર્સ્ટ લેડી વચ્ચે અણબનાવની અટકળો વહેતી થઈ છે. એવું પણ કહેવાય છે કે, મેલાનિયાએ ટ્રમ્પ સાથે છૂટાછેડા લેવાની તૈયારી કરી છે. એપસ્ટિન સહિતના મુદ્દે તેઓના સંબંધ ખૂબ જ વણસી ચૂક્યા હોઈ શકે છે.
મેલાનિયાના અણધાર્યા નિવેદનથી એપસ્ટિન કેસ ફરી ચર્ચામાં
બીજી તરફ, એપસ્ટિન કેસના સર્વાઈવર્સે મેલાનિયાના આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પીડિત પરિવારોનું કહેવું છે કે, આ કેસમાં અમે સાક્ષી તરીકે ફરજ બજાવીને ઘણું સાહસ બતાવ્યું છે. હવે અમારી પાસે વધુ કોઈ અપેક્ષા રાખવી, તે શક્તિશાળી લોકો માટે જવાબદારીમાંથી છટકવા જેવું છે.
પીડિતોનું કહેવું છે કે, ફર્સ્ટ લેડી સત્તામાં બેઠેલા શક્તિશાળી લોકોની જ સુરક્ષા કરી રહ્યા છે. ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે, હું એક સમયે એપસ્ટિનને જાણતો હતો, પરંતુ બાદમાં એપસ્ટિને તેની ક્લબમાંથી મારી હકાલપટ્ટી કરી હતી.’
ખેર, વ્હાઈટ હાઉસમાં મેલાનિયાના આ અણધાર્યા નિવેદનથી અમેરિકા જ નહીં, દુનિયાભરમાં એપસ્ટિન કેસની ચર્ચા તેજ બની છે.

