VIDEO: રશિયા અંગે અમેરિકાના નિર્ણય પર યુક્રેન અને ફ્રાંસ નારાજ! ઝેલેન્સ્કીએ આપી ચેતવણી
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમિર ઝેલેન્સ્કીએ શુક્રવારે અમેરિકા દ્વારા રશિયન તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં આપવામાં આવેલી કામચલાઉ છૂટછાટ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે, અમેરિકાના આ પગલાથી રશિયાને આશરે 10 અબજ ડોલરની વધારાની કમાણી થઈ શકે છે, જે સીધી રીતે યુક્રેન સામેનું યુદ્ધ વધારશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ નિર્ણયથી શાંતિ સ્થાપવાના પ્રયાસો નબળા પડશે.
યુદ્ધ બાદ અમેરિકાએ શું કહ્યું હતું?
અમેરિકાએ તાજેતરમાં 30 દિવસ માટે એક વિશેષ લાયસન્સ જાહેર કર્યું છે, જે અંતર્ગત દેશોને દરિયામાં ફસાયેલા રશિયન તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. વોશિંગ્ટનનું કહેવું છે કે, ઈરાન સાથેના સંઘર્ષ બાદ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં જે ઉછાળો આવ્યો છે, તેને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. જોકે, યુક્રેન અને ફ્રાંસ આ તર્ક સાથે સહમત નથી.
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે પણ રશિયા પર નિશાન સાધ્યું
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને (France President Emmanuel Macron) ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)ના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, ‘જો રશિયા એમ માનતું હોય કે મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે તેના પરનું આંતરરાષ્ટ્રીય દબાણ ઘટશે, તો તે તેની ભૂલ છે. જી-7 દેશોએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેલની વધતી કિંમતોને કારણે રશિયા પરના પ્રતિબંધોની નીતિમાં કોઈ પણ સંજોગોમાં ફેરફાર થવો જોઈએ નહીં.’
સપ્લાય ચેઈન જાળવવા રશિયાને રાહત અપાઈ : અમેરિકા
અમેરિકી નાણા સચિવ સ્કોટ બેસેન્ટના જણાવ્યા મુજબ, જ્યારે તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ હોય ત્યારે સપ્લાય ચેઈન જાળવી રાખવી અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 5 માર્ચના રોજ અમેરિકાએ ખાસ કરીને ભારતને દરિયામાં ફસાયેલું રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપી હતી. યુરોપિયન દેશોમાં હવે એવી આશંકા સેવાઈ રહી છે કે, આ છૂટછાટ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને આર્થિક રીતે મજબૂત બનાવશે.

