ટ્રમ્પનો ટેરિફ અમેરિકાને જ પડી રહ્યો છે ભારે, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આવ્યો વારો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાયા વગરની નીતિઓ અમેરિકાના ખેડૂતોને ખૂબ જ હેરાન કરી રહી છે. આ સમયે જો BRICS દેશ
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •3 મિનિટ વાંચન સમય
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાયા વગરની નીતિઓ અમેરિકાના ખેડૂતોને ખૂબ જ હેરાન કરી રહી છે. આ સમયે જો BRICS દેશો આમને આમ એકતા અકબંધ રાખે તો ટ્રમ્પને ના ઈચ્છતા પણ ટેરિફ ઘટાડવો જ પડશે.
અનેક દેશો પર લગાવેલો ટેરિફ હવે અમેરિકાને જ ભારે પડી રહ્યો છે. આ ટેરિફને કારણે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે કે અમેરિકાના ખેડૂતો તેમની મકાઈ અને સોયાબીનનો પાક વેચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો ભારત-ચીન મક્કમ રહ્યાં તો અમેરિકાને તેના સોયાબીન-મકાઈનું પાકને ખરીદનાર કોઈ નહીં મળે. અમેરિકન સેનેટમાં આ મુદ્દો હાલમાં ગરમાય રહ્યો છે. સાથો સાથ સરકાર પર પણ દબાણ સર્જાઇ રહ્યું છે. હવે જો ભારત-ચીન થોડો સમય પણ એકતા બનાવી રાખશે તો ટ્રમ્પએ અન્ય દેશો પર નાખેલો ટેરિફ તેને જ ભારે પડશે.
24 અબજ ડોલર કરતાં વધુ કિંમતનાં સોયાબીનનું કોઈ નહીં માલિક
અમેરિકા એક વર્ષમાં 24 અબજ ડોલર કરતાં પણ વધુ કિંમતના સોયાબીનનો નિકાસ કરે છે. જેમાંની અડધી સોયાબીન તો માત્ર ચીન જ ખરીદે છે. હવે ટ્રમ્પે લગાવેલા ટેરિફના કારણે ચીને સોયાબીન ખરીદવા માટે અમેરિકાને બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી સોયાબીનની ખરીદી કરી રહ્યું છે. જ્યારે ભારતમાં તો અમેરિકન મકાઈ અને સોયાબીન એમ બંને મોકલવા હોય તો ૪૫% અને ૬૦% ટેક્સ ચૂકવવો પડે અને ચીને ટ્રમ્પના ટેરિફ સામે વળતો ૩૪% ટેરિફ લાદ્યો છે.
અમેરિકન ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
આજે અમેરિકન ખેડૂતોનો મકાઈ અને સોયાબીનનો પાક તૈયાર છે, પરંતુ તેને ખરીદવા વાળું કોઈ નથી. અહેવાલો મુજબ એક સમયે ચીન અમેરિકા પાસેથી ૧૨થી ૧૩ અબજ ડોલરના સોયાબીન ખરીદતું હતું. જે આ વર્ષે અમેરિકા પાસેથી સમ ખાવા પૂરતી પણ સોયાબીનની આયાત નથી કરી રહ્યું.
આજે ચીન આમેરિકાને બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પર પસંદગી ઉતારી રહ્યું છે. અમેરિકન સોયાબીન નિકાસ પરિષદના સીઇઓ જિમ સટરને ટાંકીને એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, હવે સોયાબીનના વેચાણ માટેનો સમય ખેડૂતોના હાથમાંથી નીકળી રહ્યો છે. ચાર-ચાર વખત મંત્રણા થવા છતાં સોયાબીનને લઈને કોઈ વાત બની નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, સોયાબીન અંગે જો કોઈ ઉકેલ ન આવ્યો તો તેઓ રાહત પેકેજ આપી શકે છે, જે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન આપવામાં આવ્યું હતું અને આ પેકેજ પણ કઈક એવું જ હશે. તેની સામે સોયાબીનનો પાક લેનારા ખેડૂતોનું કહેવું છે કે, આ પ્રકારની રાહત ફક્ત કામચલાઉ સમાધાન જ બનીને રહી જશે. આ અંગે ચીને સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા પહેલા અયોગ્ય ટેરિફ હટાવે, પછી અમે ખરીદી માટે કંઈક વિચારીશું. અમેરિકન ટેરિફ સામે ચીનના વળતા પ્રહારના કારણે જુવાર, મકાઈ, કપાસની સાથે મરીન ફૂડ એક્સ્પોર્ટ પર પણ વિપરીત અસર પડી રહી છે. આમ બ્રિક્સ દેશો (ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ) થોડો સમય પણ મક્કમ રહ્યાં તો અમેરિકાની ટેરિફની નિતિ તેને જ ભારે પડવાની છે. ટેરિફ પર અક્કડ રહેલા ટ્રમ્પ પણ એક સમયે આ નિર્ણય પર વિચારોમાં મૂકાઈ શકે તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં ખેડૂતો વીફરશે તો ટ્રમ્પને ટેરિફ ઓછો કરવો જ પડશે. આમ બ્રિક્સ દેશોની એકતા જો અકબંધ રહી તો તે ટ્રમ્પને ટેરિફ ભૂલવાડી શકે છે.