ટ્રમ્પની ભારત સમેત તમામ બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ધમકી, જાણો શું કહ્યું
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર, 30 નવેમ્બરે બ્રિક્સ દેશોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 'જો નવ દેશો (

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર, 30 નવેમ્બરે બ્રિક્સ દેશોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 'જો નવ દેશો (બ્રિક્સ દેશો) અમેરિકન ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે તો તેમના પર 100% ટેરિફ લાદવામાં આવશે.' આ ધમકી બ્રિક્સમાં જોડાયેલા દેશો માટે છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
તુર્કીએ, અઝરબૈજાન અને મલેશિયાએ બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી છે અને અન્ય ઘણાં દેશો પણ તેમાં જોડાવા ઈચ્છે છે. જો કે, અમેરિકન ડોલર અત્યાર સુધીમાં વૈશ્વિક વેપારમાં સૌથી વધુ વપરાતું ચલણ છે અને ભૂતકાળમાં પડકારો હોવા છતાં તેની શ્રેષ્ઠતા જાળવી રાખવામાં સફળ રહી છે.
ભારત માટે ચિંતાજનક
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ભારત જેવા વિકાસશીલ દેશ માટે પણ ચિંતાજનક છે કારણ કે ભારત મોટી માત્રામાં અમેરિકાથી માલસામાનની આયાત કરે છે, આ ઉપરાંત મોટી માત્રામાં ઘણી વસ્તુઓની નિકાસ પણ કરે છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 118.3 બિલિયન અમેરિકન ડોલર હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને 41.6 અબજ ડોલરની નિકાસ કરી હતી.
આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી
આ પ્રસ્તાવથી ટ્રમ્પ નારાજ!
બ્રિક્સના સભ્યો અને અન્ય વિકાસશીલ દેશોનું કહેવું છે કે,'વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં અમેરિકાના વર્ચસ્વથી કંટાળી ગયા છે. બ્રિક્સ દેશો અમેરિકન ડોલર અને યુરો પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડીને તેમના આર્થિક હિતોને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે.'
ઓગસ્ટ 2023માં દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે બ્રિક્સ દેશોએ પોતપોતાનું ચલણ રજૂ કરવા અંગે ચર્ચા કરી હતી અને બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર વેપાર અને રોકાણ માટે એક સામાન્ય ચલણ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવથી ટ્રમ્પ નારાજ છે.








