Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump Suffers Double Setback As Approval Rating Plummets

ટ્રમ્પને ડબલ ઝટકો: લોકપ્રિયતા તળિયે પહોંચી, સંસદમાં ઈરાન મુદ્દે નૈતિક હાર

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પને ડબલ ઝટકો: લોકપ્રિયતા તળિયે પહોંચી, સંસદમાં ઈરાન મુદ્દે નૈતિક હાર
સોર્સ : gstv

Double Setback for Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ અને સૈન્ય નીતિઓને લઈને ખુદ અમેરિકામાં જ ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક તરફ અમેરિકન સંસદના ઉપલા ગૃહ 'સેનેટ' દ્વારા ઈરાન વિરુદ્ધ ટ્રમ્પ પ્રશાસનની સૈન્ય કાર્યવાહી પર રોક લગાવતો એક મહત્ત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, તાજેતરના એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટીને તેમના બીજા કાર્યકાળના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

App Store

સંસદમાં નૈતિક હાર: યુદ્ધ રોકવા માટે 50-48થી પ્રસ્તાવ પસાર

અમેરિકન સેનેટમાં ટ્રમ્પ પ્રશાસનની ઈરાન નીતિ વિરુદ્ધ લાવવામાં આવેલો પ્રસ્તાવ 50 વિરુદ્ધ 48 મતોની પાતળી સરસાઈથી પસાર થઈ ગયો છે. આ પ્રસ્તાવ અગાઉ નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' માંથી પણ પસાર થઈ ચૂક્યો છે. પ્રસ્તાવ અનુસાર, જો અમેરિકન સેના ઈરાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માંગે છે, તો તેના માટે સંસદ (કોંગ્રેસ) ની સ્પષ્ટ મંજૂરી અનિવાર્ય રહેશે. ત્યાં સુધી પ્રમુખે દળોને પાછા બોલાવવા પડશે.

ટ્રમ્પ પ્રશાસનનો તર્ક

વ્હાઇટ હાઉસે આ પ્રસ્તાવને અબંધનકર્તા (Non-binding) અને અસંવિધાનિક ગણાવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય પગલાં લેવાનો પ્રમુખ પાસે બંધારણીય અધિકાર છે. જો કે, ભલે આ પ્રસ્તાવથી કાનૂની અસર ન પડે, પરંતુ બંને ગૃહોમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદો દ્વારા ટ્રમ્પના યુદ્ધના અધિકારો પર સવાલ ઉઠાવવા એ વ્હાઇટ હાઉસ માટે મોટો રાજકીય આંચકો છે. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે અને સ્વિટ્ઝરલેન્ડના જિનીવામાં શાંતિ કરારને લઈને બેઠકો પણ યોજાઈ ચૂકી છે.

જનતામાં ભારે નારાજગી: એપ્રુવલ રેટિંગ ઘટીને 34% 

ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને દેશની આંતરિક પરિસ્થિતિને કારણે અમેરિકન નાગરિકોમાં ટ્રમ્પ પ્રશાસન પ્રત્યેનો અસંતોષ સપાટી પર આવ્યો છે. 'રોયટર્સ/ઇપ્સોસ' (Reuters/Ipsos) ના તાજા પાંચ દિવસીય સર્વેક્ષણના પરિણામો ચોંકાવનારા છે: ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ (લોકપ્રિયતા) ઘટીને માત્ર 34% રહી ગયું છે, જે તેમના બીજા કાર્યકાળનું સૌથી નીચું સ્તર છે. તેમણે આ કાર્યકાળની શરૂઆત 47% રેટિંગ સાથે કરી હતી.

યુદ્ધ અંગે નકારાત્મક વલણ

સર્વેમાં માત્ર 24% લોકોએ જ ઈરાન સામેના યુદ્ધને યોગ્ય ઠેરવ્યું છે, જ્યારે 50% લોકો માને છે કે આ યુદ્ધ તેના ખર્ચ અને નુકસાનના પ્રમાણમાં બિલકુલ નકામું હતું. આશરે 63% અમેરિકનોને એવો ભરોસો નથી કે ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલા યુદ્ધવિરામ સમજૂતીથી લાંબાગાળાની સ્થાયી શાંતિ સ્થપાશે.

મોંઘવારી અને ઈમિગ્રેશન નીતિ પણ નડી

પ્રમુખ ટ્રમ્પ માત્ર વિદેશ નીતિ જ નહીં, પરંતુ અમેરિકાની આંતરિક આર્થિક સ્થિતિને કારણે પણ ઘેરાયા છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચના મુદ્દે જનતા ભારે નારાજ છે, જેના કારણે આ મોરચે તેમનું રેટિંગ સૌથી ઓછું એટલે કે માત્ર 22% નોંધાયું છે. આ ઉપરાંત તેમની કડક ઈમિગ્રેશન (આવ્રજન) નીતિ સામે પણ લોકોની નારાજગી વધી રહી છે, જ્યાં તેમની રેટિંગ ઘટીને 37% થઈ ગઈ છે.