ભારતની ચૂંટણી સિસ્ટમના ટ્રમ્પે કર્યા વખાણ: 'સેવ અમેરિકા બિલ' પાસ કરવા અમેરિકન્સ સાંસદોને હાકલ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલી અને વોટિંગ પ્રક્રિયાના વખાણ કર્યા છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં પારદર્શી અને સલામત ચૂંટણીઓ યોજવા માટે ભારતીય મોડલમાંથી પ્રેરણા લઈ દેશમાં 'વોટર આઈડી કાર્ડ' ફરજિયાત બનાવવાની જોરદાર હિમાયત કરી છે.
ભારતનું ચૂંટણી મોડલ અનુકરણીય
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ભારતમાં વિશાળ વસ્તી અને ભૌગોલિક વિવિધતા હોવા છતાં અત્યંત વ્યવસ્થિત રીતે સુચારુ અને પારદર્શી ચૂંટણીઓનું આયોજન કરવામાં આવે છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમારા વહીવટને પૂછ્યું, તમે માન્ય ફોટો ID વિના અમેરિકામાં ચૂંટણી કેવી રીતે કરાવી શકો છો? ભારતમાં છેલ્લી ચૂંટણીમાં 64.6 કરોડ મતદારો હતા, જેમાં એક ટકાથી ઓછા લોકોએ પોસ્ટ દ્વારા મતદાન કર્યું હતું અને દરેક મતદાર પાસે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ હોવો જરૂરી હતો.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને 'સેવ અમેરિકા બિલ' ઝડપથી પસાર કરવા વિનંતી કરી, જે યુએસ ફેડરલ ચૂંટણીઓમાં નાગરિકતા અને માન્ય ઓળખના પુરાવાને ફરજિયાત બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી ફક્ત યુએસ નાગરિકો જ મતદાન કરી શકે.
અમેરિકી રાજકારણમાં ગરમાવો
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકાના રાજકીય વર્તુળોમાં નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ જ્યાં રિપબ્લિકન પાર્ટીના સમર્થકો વોટર આઈડી ફરજિયાત કરવાના નિર્ણયને આવકારી રહ્યા છે, ત્યાં બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રસ્તાવ સામે અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. છતાં, વૈશ્વિક મંચ પર ભારતની લોકશાહી અને ચૂંટણી પ્રણાલીના વખાણ થતાં આ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.

