Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump lashes out at Netanyahu: Israel should immediately stop attacks on Lebanon'

નેતન્યાહૂ પર ભડક્યા ટ્રમ્પ : ‘ઈરાન અંગે અમે નિર્ણય કરીશું, ઈઝરાયલ લેબેનોન પર હુમલા તાત્કાલિક બંધ કરે’

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
નેતન્યાહૂ પર ભડક્યા ટ્રમ્પ : ‘ઈરાન અંગે અમે નિર્ણય કરીશું, ઈઝરાયલ લેબેનોન પર હુમલા તાત્કાલિક બંધ કરે’
સોર્સ : GSTV

Middle East Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાટાઘાટો શરૂ થાય તે પહેલા જ મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે ખેંચતાણ ચાલુ છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ ભીષણ જંગ શરૂ થઈ ગયો છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે એપ્રિલ મહિનામાં થયેલા યુદ્ધવિરામ છતાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ બળવાખોરોએ ઉત્તરી ઈઝરાયલ પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબી પ્રહાર રૂપે ઈઝરાયલે રવિવારે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હુમલા શરૂ કર્યા છે.

App Store

શાંતી મંત્રણા પર કોઈ અસર નહીં થાય: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે ઈઝરાયલના આ હુમલાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પ્રભાવિત નહીં થાય. જોકે, તેમણે ઈઝરાયલ સામે સખત વલણ અપનાવતા લેબેનોન પર હુમલા તાત્કાલિક બંધ કરવા તાકીદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ ફોન પર ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ પર આ મુદ્દે ભારે ગુસ્સે થઈ ગયા હતા. બીજી તરફ, બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

પાકિસ્તાની ગૃહમંત્રી તેહરાન પહોંચ્યા, હુમલા યથાવત

આ વૈશ્વિક કટોકટી વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રી સેના પ્રમુખ આસિમ મુનીરનો ખાસ અને મહત્ત્વનો સંદેશો લઈને ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે, જ્યાં તેઓ સુપ્રિમ લીડર સાથે મુલાકાત કરશે. આ દરમિયાન અમેરિકન સેનાએ વ્યૂહાત્મક રીતે અતિ મહત્ત્વની ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો બનેલા બે ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.

યુદ્ધવિરામ વચ્ચે પણ સૈન્ય હુમલા અને જવાબી પ્રહારો

યુદ્ધને કાયમી ધોરણે રોકવા માટે ઘણા સપ્તાહથી મથામણ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. અમેરિકન સેનાએ શુક્રવારે ઈરાનના ગોરુક અને કૅશ્મ દ્વીપ પર આવેલા રડાર કેન્દ્રો તેમજ ડ્રોન કંટ્રોલ કમાન્ડ પર બોમ્બમારો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીન તરફ મિસાઇલ અને ડ્રોન ફેંક્યા હતા. 

કુવૈતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની એર ડિફેન્સ સિસ્ટમે 7 બેલેસ્ટિક મિસાઇલોને તોડી પાડી હતી, જ્યારે બહેરીને 3 મિસાઇલો તોડી પાડી આ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. આ અગાઉ ઈરાની ડ્રોન હુમલામાં કુવૈત એરપોર્ટના પેસેન્જર ટર્મિનલને મોટું નુકસાન થયું હતું અને એક વ્યક્તિનું મોત પણ થયું હતું.

સાઉદી અરેબિયા અને યુએઈ દ્વારા ઈરાનની આકરી નિંદા

ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર આઈઆરઆઈબી (IRIB)ના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકન અડ્ડાઓ પર વળતો પ્રહાર કર્યો છે અને આ કાર્યવાહીને અમેરિકા દ્વારા યુદ્ધવિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને ઈજિપ્ત સહિતના ખાડી દેશોએ ઈરાનના આ હુમલાઓની આકરી નિંદા કરી છે અને તેને સમગ્ર ક્ષેત્રની સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.

આ મુખ્ય મુદ્દાઓ પર અટકી છે શાંતિ વાટાઘાટો

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો અત્યારે મુખ્યત્વે આર્થિક પ્રતિબંધો અને ઈરાનની જપ્ત થયેલી અબજો ડૉલરની સંપત્તિ મુક્ત કરવાના મુદ્દે અટકેલી છે. તેહરાન ઈચ્છે છે કે કરારના પહેલા તબક્કામાં જ તેને આ નાણાં મળી જાય, જ્યારે વૉશિંગ્ટનનું કહેવું છે કે જ્યાં સુધી ઈરાન પોતાના ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમનો ભંડાર છોડવા તૈયાર ન થાય ત્યાં સુધી કોઈ નાણાકીય રાહત આપવામાં નહીં આવે. આ ઉપરાંત ઈરાની ક્રૂડ ઓઇલના નિકાસ પરના પ્રતિબંધો અને હોર્મુઝ સ્ટ્રેટની દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પણ હજુ વણઉકલ્યા જ રહ્યા છે.