અફેર વિવાદમાં ફસાયેલા Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગનો ટ્રમ્પે કર્યો બચાવ: કંપનીમાં ફરી વાપસીની અટકળો તેજ

અફેર વિવાદમાં ફસાયેલા Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગનો ટ્રમ્પે કર્યો બચાવ: કંપનીમાં ફરી વાપસીની અટકળો તેજ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક્સ્ટ્રા મેરિટલ અફેયર્સ (લગ્નેતર સંબંધો)ના વિવાદોમાં ઘેરાયેલા વિશ્વની ચિપમેકર કંપની Nvidiaના પૂર્વ સીઈઓ જેન્સન હુઆંગનો બચાવ કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો જેન્સન હુઆંગ ફરીથી કંપનીના પ્રમુખ તરીકે વાપસી કરે, તો મને તેનાથી કોઈ વાંધો નથી. ટ્રમ્પના મતે પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવે આ સમગ્ર વિવાદમાંથી યોગ્ય બોધપાઠ લઈ લીધો છે.

ચીની જાસૂસીના આરોપો પર ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં સિંગાપોર સ્થિત ક્લાઉડ સર્વિસિસ કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ છે, જેના પર ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે ટ્રમ્પે એલિસ હુઆંગ સામેના આરોપો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ચીનથી આવતી કોઈ પણ સુંદર મહિલા હોય તો તેને જાસૂસ કહી દેવામાં આવે છે. એલિસ જાસૂસીમાં સામેલ હતી તેવું માનવા માટે કોઈ નક્કર કારણ નથી અને ચીની ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ સાથે તેના જોડાણના કોઈ પુરાવા અંગે યોગ્ય જાણકારી નથી.'

જાહેરાત

33 વર્ષ બાદ આપ્યું હતું રાજીનામું, હવે વાપસીની ચર્ચા તેજ

ઉલ્લેખનીય છે કે જેન્સન હુઆંગે લગભગ 33 વર્ષ સુધી Nvidiaનું સફળ નેતૃત્વ કર્યા બાદ 12 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અંગત સંબંધો અને જાસૂસીની આશંકા અંગેના અહેવાલો સામે આવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો, ત્યારબાદ કંપનીના સીએફઓ કોલેટ ક્રેસને વચગાળાના સીઈઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, રાજીનામું આપ્યાના થોડા જ દિવસોમાં હુઆંગ ફરી એકવાર કંપનીની કમાન સંભાળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સિલિકોન વેલીના દિગ્ગજો બનાવી રહ્યા છે બોર્ડ પર દબાણ

અહેવાલો મુજબ, સિલિકોન વેલીના અનેક મોટા ટેકનોલોજી દિગ્ગજો જેન્સન હુઆંગને ફરીથી એનવીડિયાના સીઈઓ બનાવવા માટે કંપનીના બોર્ડ પર સતત દબાણ લાવી રહ્યા છે. આ ઝુંબેશને સફળ બનાવવા માટે અમેરિકાના વ્હાઇટ હાઉસનું સમર્થન મેળવવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવ્યા છે, જેમાં હવે ખુદ પ્રમુખ ટ્રમ્પે હકારાત્મક સંકેત આપીને હુઆંગની વાપસીનો માર્ગ મોકળો કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત