રશિયા-યુક્રેન યુદ્ધ માટે ટ્રમ્પે બાઈડનને જવાબદાર ગણાવ્યા, કહ્યું- 'હું સત્તામાં હોત તો...'

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક આકરું નિવેદન જારી કર્યું છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને જવાબદાર ગણાવ્યા. ટ્રમ્પે દાવો કર્યો કે, 'જો મજબૂત અને ન્યાયી અમેરિકન અને યુક્રેનિયન નેતૃત્વ હોત, તો આ યુદ્ધ ક્યારેય શરૂ ન થયું હોત. આ સંઘર્ષ મારા બીજા કાર્યકાળના ઘણા સમય પહેલા શરું થઈ ગયું હતું, બાઇડનના તંત્ર દરમિયાન સતત સ્થિતિ બગડતી ગઈ.'
ટ્રમ્પે ફરીથી 2020 ની અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, અને કહ્યું કે જો તે ચૂંટણીમાં ગોટાળા ન થયા હોત, તો રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારેય ન થયું હોત. તેમણે દાવો કર્યો કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, આ મુદ્દા પર એક વાર પણ ચર્ચા થઈ ન હતી અને વ્લાદિમીર પુતિને ક્યારેય હુમલો ન કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, "પુતિને ફક્ત ત્યારે જ હુમલો કર્યો જ્યારે તેમણે સ્લીપી જો બાઇડનને કામ કરતા જોયા અને વિચાર્યું કે હવે મોકો છે."
ટ્રમ્પે કહ્યું કે, તેમને એક એવું યુદ્ધ વારસામાં મળ્યું છે જે ક્યારેય ન થવું જોઈએ અને તે દરેક માટે નુકસાનકારક છે, ખાસ કરીને લાખો લોકો માટે જેમણે નિર્દોષ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે યુક્રેનના નેતૃત્વની પણ ટીકા કરી, કહ્યું કે ત્યાંની સરકારે અમેરિકાના પ્રયાસો માટે કોઈ આભાર ન માન્યો.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં યુરોપિયન દેશોની ટીકા કરતા કહ્યું કે, તેઓ હજુ પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, જ્યારે અમેરિકા નાટો દેશોને મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચી રહ્યું છે, જે પછી યુક્રેનને વહેંચવામાં આવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે બાઇડન વહીવટીતંત્રે યુક્રેનને બધું જ મફત, મફત, મફત આપ્યું, જેમાં મોટી રકમનો પણ સમાવેશ થાય છે.

