દક્ષિણ આફ્રિકાના વેસ્ટર્ન કેપમાં ભીષણ માર્ગ અકસ્માત, મિનીબસ ટેક્સીઓ વચ્ચેની ટક્કરમાં 21ના કરુણ મોત- અનેક ઘાયલ

દક્ષિણ આફ્રિકાના વેસ્ટર્ન કેપ પ્રાંતમાં એક અત્યંત ગંભીર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કેપ ટાઉનથી લગભગ 380 કિલોમીટર પૂર્વમાં આવેલા પ્રિન્સ આલ્બર્ટ અને લી-ગામકા કસ્બા વચ્ચે રવિવારે રાત્રે બે મિનીબસ ટેક્સીઓ આમને-સામને અથડાઈ હતી અને ત્યારબાદ એક ત્રીજું વાહન પણ તેની સાથે ધડાકાભેર ટકરાયું હતું. આ ભીષણ ત્રિપલ અકસ્માતમાં ઓછામાં ઓછા 25 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃત્યુઆંક વધવાની આશંકા
રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશને જણાવ્યું છે કે વેસ્ટર્ન કેપમાં ઇમરજન્સી સર્વિસ અને અધિકારીઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીનું આકલન કરી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંકમાં ફેરફાર થઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવાર રાત્રે થયેલા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સાર્વજનિક પરિવહનની સલામતી પર સવાલો
દક્ષિણ આફ્રિકામાં લાખો લોકો માટે મિનીબસ ટેક્સીઓ સાર્વજનિક પરિવહનની મુખ્ય કરોડરજ્જુ સમાન છે, પરંતુ અવારનવાર તેમાં થતી બેદરકારી અને ઓવરસ્પીડના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ મિનીબસ ટેક્સીઓ સાથે જોડાયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં 14 બાળકો સહિત ઓછામાં ઓછા 25 લોકોના જીવ ગયા હતા.
હાઇવે બંધ અને તપાસ શરૂ
આ ગંભીર દુર્ઘટના બાદ પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેતા અકસ્માતવાળી જગ્યાએ N1 હાઇવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશન દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી અકસ્માતના સાચા કારણો જાણી શકાય.

