Video: ઢાકા અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગાર્મેન્ટ કામદારોના વિરોધ પ્રદર્શનથી વધ્યો તણાવ!

ઢાકા અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગાર્મેન્ટ કામદારોના વિરોધ પ્રદર્શનથી વધ્યો તણાવ!
ગાઝીપુર અને નારાયણગંજમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનો તૈનાત!
વેતન વધારાની માંગ સાથે શ્રમિકોએ કર્યો ઉગ્ર વિરોધ
પડોશી દેશ બાંગ્લાદેશમાંથી અર્થતંત્ર અને જનજીવનને હચમચાવતો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યો છે. ઢાકા અને તેની આસપાસના ગાઝીપુર, નારાયણગંજ તેમજ મિરપુર જેવા મુખ્ય ઔદ્યોગિક અને ટેક્સટાઇલ હબ વિસ્તારોમાં ગાર્મેન્ટ કામદારો દ્વારા તેમના વેતનમાં વધારો કરવાની માંગને લઈને ભારે અશાંતિ અને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ શ્રમિક આંદોલનના કારણે ફેક્ટરીઓની કામગીરી અને પરિવહન વ્યવસ્થા પર પણ માઠી અસર પડી છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ૧૨ પ્લૂટૂનને ગાઝીપુર, નારાયણગંજ અને સંવેદનશીલ ઔદ્યોગિક ઝોનમાં તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોની હાજરીથી વિસ્તારમાં છાવણી જેવું વાતાવરણ સર્જાયું છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય.
અશાંતિ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા હાઈ એલર્ટ પર સુરક્ષા દળો!
મિરપુર વિસ્તારમાં જ્યારે ફેક્ટરીઓએ આંશિક રીતે પોતાની કામગીરી પુનઃ શરૂ કરી, ત્યારે અચાનક તણાવ ફરી ભડકી ઉઠ્યો હતો. શ્રમિકોએ રસ્તા પર ઉતરીને દેખાવો શરૂ કર્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. સ્થાનિક વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને લોકોને અશાંતિ ન ફેલાવવા અપીલ કરી રહ્યા છે. ઔદ્યોગિક સંચાલકો અને માલિકોનું માનવું છે કે આ વિરોધ પ્રદર્શન પાછળ કેટલાક અસામાજિક તત્વોનો પણ હાથ હોઈ શકે છે જેઓ જાણી જોઈને માહોલ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રશાસન દ્વારા શ્રમિક નેતાઓ સાથે બેઠકો યોજીને તેમની પડતર માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે જેથી સત્વરે કોઈ સુખદ ઉકેલ આવી શકે. સમગ્ર ઘટનાક્રમ પર સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સુંક્ષ્મ નજર રાખવામાં આવી રહી છે. ઢાકાના આ ઔદ્યોગિક વિસ્તારોમાં હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી સામાન્ય નાગરિકો અને શ્રમિકો બંનેના હિતોનું રક્ષણ થઈ શકે.
બ્યૂરો રિપોર્ટ – જીએસટીવી








