મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સાઉદી અરેબિયામાં ઉમરાહ યાત્રિકો ફસાયા! ફ્લાઇટ રદ થતાં ભારતે જાહેર કરી નવી એડવાઇઝરી

સાઉદી અરેબિયામાં ઉમરાહ યાત્રિકો ફસાયા! ફ્લાઇટ રદ થતાં ભારતે જાહેર કરી નવી એડવાઇઝરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સાઉદી અરેબિયામાં (Saudi Arabia) ઉમરાહ માટે ગયેલા ભારતીય યાત્રિકોની મુશ્કેલીઓ વચ્ચે ભારત સરકારે નવી માર્ગદર્શિકા (Advisory) જાહેર કરી છે. વિસ્તારમાં વધી રહેલા તણાવ અને ફ્લાઇટ્સ (Flights) રદ થવાને કારણે અનેક ભારતીયો પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયાના અધિકારીઓ અને એરલાઇન્સ સાથે સંપર્ક સાધીને યાત્રિકોને વહેલી તકે ભારત પરત લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

24 કલાક મદદ માટે કંટ્રોલ રૂમ કાર્યરત

જેદ્દાહ અને મક્કામાં આવેલી ભારતીય કોન્સ્યુલેટની કચેરીઓના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ (Control Room) દ્વારા અસરગ્રસ્ત ભારતીયોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ યાત્રિકોને ભોજન, જરૂરી દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ કામગીરીમાં સ્થાનિક ભારતીય સંગઠનો અને સ્વયંસેવકો પણ સહયોગ આપી રહ્યા છે.

વિઝા અને ફ્લાઇટને લઈને મુશ્કેલીઓ

ફ્લાઇટ્સ રદ થવાથી યાત્રિકોને વિઝાની માન્યતા (Visa Validity), મુસાફરીમાં વિલંબ અને પરત ફરવાની વ્યવસ્થા અંગે મુશ્કેલીઓ પડી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે ભારતીય મિશન સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.

દૂતાવાસે અસરગ્રસ્ત યાત્રિકોને તેમની એરલાઇન્સ, ટ્રાવેલ એજન્ટ્સ અને ઉમરાહ સેવા આપતી એજન્સીઓના સતત સંપર્કમાં રહેવાની સલાહ આપી છે, જેથી ટિકિટ રદ થવી, રિફંડ (Refund) અને નવી ટિકિટ બુકિંગ જેવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય.

મુશ્કેલી હોય તો 1966 નંબર પર સંપર્ક કરો

સાઉદી અરેબિયામાં રોકાણ લંબાવવું પડ્યું હોય અને રહેવા અથવા અન્ય સેવાઓ અંગે મુશ્કેલી પડતી હોય તેવા ઉમરાહ યાત્રિકોને સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલયના પિલગ્રીમ કેર સેન્ટર (Pilgrim Care Centre)નો 1966 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. ફરિયાદ નોંધાવ્યા બાદ મળતો કેસ રેફરન્સ નંબર સાચવી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા માટે પ્રયાસો

ભારતીય દૂતાવાસ રદ થયેલી ફ્લાઇટ્સ અને રિફંડ સંબંધિત સમસ્યાઓ અંગે ભારતીય એરલાઇન્સ સાથે નિયમિત સંપર્કમાં છે. યાત્રિકોને ભારત પરત લાવવા માટે ઉમરાહ ટૂર ઓપરેટરોને ભારત માટેની સેવાઓ ચાલુ રાખતી એરલાઇન્સ સાથે જોડવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો