બાંગ્લાદેશને મળી નવી સરકાર, તારિક રહેમાને લીધા વડાપ્રધાન પદના શપથ

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે નવી સરકાર રચાઈ ચૂકી છે. 17 ફેબ્રુઆરી (મંગળવાર)એ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના વડા તારિક રહેમાને બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે. બાંગ્લાદેશમાં અંદાજિત 30 વર્ષ બાદ કોઈ પુરૂષ વડાપ્રધાન બન્યા છે. NCPના સાંસદોએ આ શપથગ્રહણનો વિરોધ કર્યો.
બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીમાં તારીક રહેમાનની BNPએ જબરદસ્ત વિજય મેળવ્યો છે. સત્તા પરિવર્તનને દેશના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવે છે. બાંગ્લાદેશમાં 2024માં વિદ્યાર્થી આંદોલનના લગભગ બે વર્ષ પછી આ પરિવર્તન આવ્યું છે.
બીએનપીના નેતૃત્વ હેઠળના ગઠબંધને 300 બેઠકોવાળી રાષ્ટ્રીય સંસદમાં 200થી વધુ બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી મેળવી. આ નિર્ણાયક આદેશે તારિક રહેમાનને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે: અસ્થિર અર્થતંત્રને સ્થિર કરવું, ફુગાવાને કાબુમાં લેવું અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવું જેવા પડકારો તેની સામે રહેશે.

