VIDEO: જાપાનમાં ભારતીય ઉદ્યોગો માટે અપાર તકો, ઓસાકા બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન
જાપાનના ઓસાકા પ્રવાસે ગયેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને લઈને મોટો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે જાપાનમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકો અત્યંત સફળ રહી છે અને ભારતીય ઉદ્યોગ જગત માટે વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની વિપુલ તકો ઉભી થઈ છે.
B2B કનેક્શન અને ભારતીય પ્રતિનિધિમંડળની સફળતા
પીયૂષ ગોયલે જાપાન પ્રવાસની સિદ્ધિઓ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, ભારતીય ઉદ્યોગ જગતના 200થી વધુ અગ્રણી પ્રતિનિધિઓ આ પ્રવાસમાં જોડાયા હતા, જેમણે જાપાનીઝ કંપનીઓ સાથે સીધા બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) સંબંધો સ્થાપિત કર્યા છે. બેઠકોના સકારાત્મક પરિણામો અત્યારથી જ દેખાવા લાગ્યા છે. રોકાણ અને વ્યાપાર માટે અપાર સંભાવનાઓ છે, જેને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી હવે ભારતીય ઉદ્યોગોની છે.
ભારત-જાપાન વેપાર કરારની સમીક્ષા
બંને દેશો વચ્ચેના વ્યાપારિક કરારો અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ કરારની સમીક્ષા (Review) વખતે દરેક દેશ પોતાના હિતો અને સંવેદનશીલ મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે. જાપાન સાથેના કરારની સમીક્ષાની ઔપચારિક પ્રક્રિયા હજી શરૂ થઈ નથી, પરંતુ પ્રારંભિક ચર્ચાઓ હાથ ધરાઈ છે. જેમ જેમ વાતચીત આગળ વધશે, તેમ બંને દેશો એકબીજાની સંવેદનશીલ બાબતો અને ચિંતાઓનું યોગ્ય નિરાકરણ લાવશે.

