VIDEO: NEWS AFTERNOON / જાપાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, રાષ્ટ્રગાન વચ્ચે વિધાનસભા સ્પીકરે ચાલતી પકડી, અમદાવાદમાં ગુનેગારો પર તવાઈ
જાપાનમાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનમાં ૫.૯ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકાથી ટોક્યો સહિત પૂર્વીય વિસ્તારો ધ્રૂજી ઊઠ્યા છે. ભાગદોડમાં ૨૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે, જોકે સુનામીનો કોઈ ખતરો નથી અને પરમાણુ મથકો સુરક્ષિત છે.
રાષ્ટ્રગાન વચ્ચે UP વિધાનસભા સ્પીકરે ચાલતી પકડી
યુપીના ઉન્નાવમાં શિક્ષક અધિવેશન દરમિયાન રાષ્ટ્રગાન પૂર્ણ થાય તે પહેલાં જ વિધાનસભા સ્પીકર સતીશ મહાના મંચ પરથી નીચે ઊતરી જતાં મોટો વિવાદ સર્જાયો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેઓ કાન પાસે કંઈક ઠીક કરીને બહાર નીકળતા દેખાય છે.
સ્થાપના પહેલા જ ગણેશજીની મૂર્તિ પડી
મુંબઈના ભુલેશ્વરમાં આગમન સરઘસ દરમિયાન ૨૨ ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા અચાનક પડી જતાં ૨ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૂર્તિના બોલ્ટમાં ખામી સર્જાવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીમાં સ્વાઈન ફ્લૂનો કહેર
દિલ્હીમાં સ્વાઈન ફ્લૂના કેસો ૧,૭૭૭ને વટાવી જતાં આરોગ્ય વિભાગે હાઈ એલર્ટ જારી કર્યું છે. એક જ દિવસમાં ૧૧૪ નવા દર્દીઓ નોંધાતાં તંત્રે નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
અમદાવાદમાં ગુનેગારો પર તવાઈ
અમદાવાદમાં પોલીસના મેગા ઓપરેશન હેઠળ છેલ્લા ૧૧ દિવસમાં ૪૧ રીઢા ગુનેગારો સામે પાસા અને ૧૫ સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે સઘન કોમ્બિંગ અને વ્હીકલ ચેકિંગ અભિયાન તેજ કર્યું છે.
માળીયા હાટીનામાં દીપડાનો ખોફ
માળીયા હાટીનાના કટરડી બજાર વિસ્તારમાં દીપડો દેખાતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા ૪ પાંજરા ગોઠવી શોધખોળ શરૂ કરી છે અને સ્થાનિકોને રાત્રે બહાર ન નીકળવા સાવચેત કર્યા છે.

