Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Security Thrust of 3 Countries in Flydubai Scandal: Pilot Reaches Cockpit Due to Negligence of Oman, UAE and Israel

ફ્લાયદુબઈ કાંડમાં 3 દેશોની સુરક્ષાના ધજાગરા: ઓમાન, UAE અને ઇઝરાયલની બેદરકારીથી પાઇલટ કોકપિટ સુધી પહોંચી ગયો

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ફ્લાયદુબઈ કાંડમાં 3 દેશોની સુરક્ષાના ધજાગરા:  ઓમાન, UAE અને ઇઝરાયલની બેદરકારીથી પાઇલટ કોકપિટ સુધી પહોંચી ગયો
સોર્સ : gstv

ફ્લાયદુબઈ ફ્લાઈટ 1073માં જે કંઈ પણ થયું, તેની શરૂઆત કોકપિટની અંદર નહોતી થઈ. હમામ અલ-હમ્મામીના કપ્તાનની પાછળ ઊભા રહીને તેના પર હુમલો કરવા સુધી ત્રણ દેશોના સ્તરે તેને રોકવાના કેટલાય મોકા આવી ચૂક્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓમાન, UAE અને ઈઝરાયલની સુરક્ષા વ્યવસ્થામાં અલગ-અલગ સ્તરે થયેલી ચૂકના કારણે તે તે ફ્લાઈટના કોકપિટ સુધી પહોંચી શક્યો.

App Store

સૌથી પહેલા ઓમાનમાં હમ્મામીને લઈને ચિંતા સામે આવી હતી. એક રિપોર્ટ પ્રમાણે ઓમાન એરે તેની ઓનલાઈન પ્રવૃત્તિઓની તપાસ કરી હતી. અધિકારીઓએ જોયું કે તે કટ્ટરપંથી વિચારધારામાં જરૂરિયાત કરતાં વધુ રસ દાખવી રહ્યો હતો. આ પછી તેને ઓમાન એરની ફ્લાઈંગ ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવ્યો. તેને ડી-રેડિકલાઈઝેશન પ્રોગ્રામમાંથી પસાર કરવામાં આવ્યો અને બાદમાં ડેસ્ક જોબ આપી દેવામાં આવી.

ઓમાને જોખમ ઓળખ્યું, પરંતુ માહિતી આગળ ન પહોંચી

અહીં પહેલી મોટી ચૂક થઈ. રિપોર્ટ પ્રમાણે કેસ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ઓમાને હમ્મામીને ઉડાનમાંથી હટાવી દીધો, પરંતુ તેના વિશે ઊઠેલી ચિંતાઓને બીજા દેશો કે એરલાઈન્સ સાથે વ્યાપક સ્તરે શેર ન કરવામાં આવી. આના થોડા સમય પછી ફેબ્રુઆરી 2026માં ફ્લાયદુબઈએ હમ્મામીને નોકરી પર રાખી લીધો. રિપોર્ટ પ્રમાણે એરલાઈને તેની અગાઉની નોકરી વિશે ઓમાન એરનો સંપર્ક ન કર્યો અને ન તો ત્યાં સામે આવેલી ચિંતાઓની માહિતી લીધી. ફ્લાયદુબઈની હાયરિંગ પ્રક્રિયા સાથે જોડાયેલી એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે એરલાઈને તેનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક જરૂર કર્યો હતો.

નોકરી મળ્યા પછી હમ્મામીને દુબઈ-તેલ અવીવ રૂટ પર તહેનાત કરવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે તે આ રૂટ પર કેટલીય વાર ઉડાન પણ ભરી ચૂક્યો હતો. હવે આ જ હાયરિંગ પ્રક્રિયાને લઈને UAEના અધિકારીઓ ફ્લાયદુબઈના કર્મચારીઓની તપાસ કરી રહ્યા છે. તપાસ પૂરી થવા સુધી ફ્લાયદુબઈએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.

ઈઝરાયલ પાસે પણ હતો હમ્મામીને રોકવાનો મોકો

રિપોર્ટ પ્રમાણે હમ્મામીને રોકવાનો છેલ્લો મોટો મોકો ઈઝરાયલમાં હતો. ઓમાન જેવા દેશોના પાયલટ, જેના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી, ત્યાં ઉડાન ભરી શકતા નથી. એવામાં હમ્મામીની રાષ્ટ્રીયતા જ તેને રોકવા માટે પૂરતી હોવી જોઈતી હતી. વિદેશી એરલાઈન્સે ઈઝરાયલ પહોંચતા પહેલા મુસાફરો અને ક્રૂની યાદી જમા કરાવવાની હોય છે. ફ્લાયદુબઈએ ફ્લાઈટ 1073નું મેનિફેસ્ટ પણ ઈઝરાયલને આપ્યું હતું. ઈઝરાયલની ટેક્સ ઓથોરિટી પ્રમાણે આ માહિતી દેશના પેસેન્જર ડેટા સિસ્ટમમાં મોજૂદ હતી.

પરંતુ અહીં પણ એક મહત્વનો સવાલ સામે આવ્યો. ઈઝરાયલના ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયે કહ્યું કે, તેની પાસે વિદેશી એરલાઈન્સના ક્રૂની તપાસ કરવાનો અધિકાર કે એક્સપર્ટીઝ નહોતી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 2023માં આ ડેટાબેઝ બન્યા પછી તેણે ક્યારેય મુસાફરો કે ક્રૂની યાદી માગી જ નહોતી. એટલું જ નહીં મંત્રાલયને એ પણ ખબર નહોતી કે તે આ ડેટાબેઝને એક્સેસ કરી શકે છે. મંત્રાલયે જણાવ્યું કે, આના બદલે ફ્લાયદુબઈએ લેખિતમાં પોતાના પાયલટોના બેકગ્રાઉન્ડ અને રાષ્ટ્રીયતાની તપાસ કરવા પર સહમતિ આપી હતી.

2024માં પણ આપવામાં આવી હતી સુરક્ષા ખામીઓની ચેતવણી

આ કેસમાં એક વધુ મહત્વની કડી સામે આવી છે. 2024ના એક ક્લાસિફાઈડ રિપોર્ટમાં ઈઝરાયલ આવતી વિદેશી એરલાઈન્સની ઉડાનોની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓને લઈને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં ફ્લાઈટ 1073ના કેસમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ તેને રોકવા માટે થઈ શક્યો નહીં.

એક પછી એક છૂટતા ગયા મોકા

રિપોર્ટનો કેન્દ્રીય સવાલ એ જ છે કે હમ્મામીને રોકવાના આટલા મોકા હોવા છતાં તે કોકપિટ સુધી કેવી રીતે પહોંચી ગયો. ઓમાને તેના કટ્ટરપંથી વિચારોને લઈને તેને ઉડાનમાંથી હટાવી દીધો, પરંતુ આ માહિતી આગળ ન પહોંચી. UAEમાં ફ્લાયદુબઈએ કથિત રીતે તેની અગાઉની હિસ્ટ્રીની તપાસ ન કરી અને તેને દુબઈ-તેલ અવીવ જેવા સંવેદનશીલ રૂટ પર મોકલી દીધો. વળી ઈઝરાયલ પાસે તેની રાષ્ટ્રીયતા અને ફ્લાઈટ ક્રૂની માહિતી મોજૂદ હતી, છતાં તેને ઉડાન ઓપરેટ કરવાથી રોકવામાં ન આવ્યો. આમ ઓમાન, UAE અને ઈઝરાયલની ઘોર બેદરકારીથી આ મોટી ઘટના ઘટી.