Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russia has taken care of India so far, amid tensions in the Middle East, Russia sent double the amount of crude oil to India

ભારતને અત્યાર સુધી રશિયાએ સંભાળી રાખ્યું, મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે રશિયાએ ભારતને બમણું ક્રૂડ મોકલ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ભારતને અત્યાર સુધી રશિયાએ સંભાળી રાખ્યું, મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે રશિયાએ ભારતને બમણું ક્રૂડ મોકલ્યું
સોર્સ : gstv

ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મધ્ય પૂર્વમાંથી ક્રૂડનો પુરવઠો લગભગ અટકી ગયો છે. સપ્લાય અટકી જવાને કારણે, માર્ચમાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત ફેબ્રુઆરીમાં યુદ્ધ પૂર્વેના સ્તરની સરખામણીમાં 13% ઘટી છે. જેમાં પણ કુલ આયાતનો અડધો હિસ્સો રશિયાથી આવ્યો છે. એટલે કે, મધ્ય પૂર્વના સપ્લાય સંકટ વચ્ચે રશિયાથી ક્રૂડની આયાતે ભારતને અત્યાર સુધી સંભાળી રાખ્યું છે.

App Store

મધ્ય પૂર્વથી સપ્લાય 61 ટકા પ્રતિદિન ઘટી

સૂત્રો પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર અને ઉપભોક્તા ભારતે માર્ચમાં પ્રતિદિન 45 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. માર્ચમાં રશિયાથી ભારતની ક્રૂડની આયાત ફેબ્રુઆરીની સરખામણીમાં લગભગ બમણી થઈને પ્રતિદિન 22.5 લાખ બેરલ પર પહોંચી ગઈ છે. બીજી તરફ, મધ્ય પૂર્વથી સપ્લાય 61% ઘટીને પ્રતિદિન 11.8 લાખ બેરલ રહી ગઈ છે.

ઈરાક અને UAEથી મંગાવાતું ક્રૂડ ઘટ્યું

હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાંથી સામાન્ય રીતે વિશ્વનો લગભગ પાંચમો ભાગ ક્રૂડ પુરવઠો પસાર થાય છે, તે 28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆતથી જ લગભગ ઠપ્પ થઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં માત્ર થોડા જ ઓઈલ ટેન્કર ભારત પહોંચ્યા છે. શનિવારે સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ડેટા અનુસાર, માર્ચમાં ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં મધ્ય પૂર્વીય ક્રૂડનો હિસ્સો ઘટીને 26.3% ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે. ઈરાક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)થી સપ્લાય ઘણા વર્ષોના લઘુત્તમ સ્તરે પહોંચી ગઈ છે.

રશિયન તેલની ખરીદીને ઝડપથી વધારી

મધ્ય પૂર્વીય તેલની અછત પૂરી કરવા માટે, ભારતીય રિફાઇનરીઓએ દરિયામાં ઉપલબ્ધ રશિયન તેલની ખરીદીને ઝડપથી વધારી દીધી છે. આ ખરીદી રશિયન તેલ પર અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટછાટ પછી ફરી શરૂ કરવામાં આવી છે. અમેરિકાએ ઈરાન યુદ્ધને કારણે ક્રૂડની વધતી કિંમતો પર અંકુશ મેળવવા માટે રશિયન ક્રૂડ પરના પ્રતિબંધો હટાવી દીધા છે અને રશિયન ક્રૂડ ખરીદવાની છૂટ મેળવનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો.

અમેરિકાથી ભારતને વધુ એક મહિનાની છૂટ મળી

ટ્રમ્પ વહીવટીતંત્રે ગત શુક્રવારે રશિયન ક્રૂડની ખરીદી પરની છૂટ વધુ એક મહિના માટે લંબાવી છે, ત્યારબાદ વિશ્વના દેશો દરિયામાં ઉપલબ્ધ પ્રતિબંધિત રશિયન તેલ ખરીદી શકે છે. આ છૂટ ભારત માટે મોટી રાહત લઈને આવી છે અને આશા છે કે રશિયન ક્રૂડની આયાત સતત વધતી જશે.

સાઉદી અરેબિયા અને આફ્રિકન દેશો પણ સંકટ મોચક

માર્ચમાં રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર રહ્યું અને સાઉદી અરેબિયાએ ઈરાકને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું. ડેટા મુજબ, મધ્ય પૂર્વીય સપ્લાય ઘટવાને કારણે ભારતીય રિફાઇનરીઓએ આફ્રિકાથી આયાત વધારી, જેનાથી અંગોલા ત્રીજા સ્થાને પહોંચી ગયું. આ પછી UAE અને ઈરાકનું સ્થાન રહ્યું.

મધ્ય પૂર્વમાંથી ઓછી આયાતને કારણે ભારતની કુલ આયાતમાં ઓપેક (OPEC) ક્રૂડનો હિસ્સો ઘટીને 29% ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે. માર્ચ 2026 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતની રશિયન ક્રૂડની આયાત ગયા વર્ષની સરખામણીમાં 6.2% ઘટી હતી, કારણ કે અમેરિકન દબાણ વચ્ચે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઘટાડી દીધી હતી. પરંતુ હવે અમેરિકી છૂટછાટ બાદ રશિયાથી ક્રૂડની આયાત ફરી વધી ગઈ છે અને રશિયા ભારતનું સૌથી મોટું સપ્લાયર બની ગયું છે.