POK, બલૂચિસ્તાન બાદ હવે સિંધમાં પણ અસંતોષ, શું પાકિસ્તાન પોતાની જ તિરાડોથી તૂટી પડશે?

ભાગલા પડયા ત્યારથી પાકિસ્તાન માત્ર ઈસ્લામ, સૈન્ય અને અમેરિકા જેવા ત્રણ પરિબળો ઉપર જ ટકેલો છે. તેણે તેનાથી વધારે આગળ જવાનો પ્રયાસ કર્યો નથી અને હવે સૈન્ય હેઠળ દબાઈ ગયું છે અને અમેરિકા ગમે ત્યારે હાથ પાછો ખેંચી લે તેવી સ્થિતિ છે. તેની પાસે ધર્મના રસ્તે ચાલવા સિવાય કોઈ રસ્તો જ નથી : ભારત પાણી ચોરતું હોવાના આરોપ મુકીને પાકિસ્તાને સિંધનો પ્રદેશ પોતાની તરફ ખેંચીને તેના ઉપર બંધ બાંધવાનું કામ કરી લીધું પણ હવે સિંધ પ્રદેશ જ ઈસ્લામાબાદના દબાણથી કંટાળીને તેનાથી વિમુખ અને આઝાદ થવા ઝંખે છે ઃ પાકિસ્તાનના આ 'જેલી સ્ટેટ' ચોક્કસપણે પોતાની ક્ષમતા કરતાં વધુ ખેંચાઈ ચૂક્યા છે. જો તે જરૂરી સુધારાત્મક પગલાં નહીં લે, તો તેનું આંતરિક વિખંડન થઈ શકે છે. આ વખતે બે કરતાં વધુ ટુકડાઓમાં વહેંચાઈ જશે. ત્યારબાદ તેના પતન પર શોક મનાવવા માટે બહુ ઓછા લોકો હશે
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં થયેલા વિરોધ પ્રદર્શનો પછી અને બલૂચિસ્તાન તથા ખૈબર પખ્તુનખ્વામાં ફરી શરૂ થયેલા વિદ્રોહ વચ્ચે હવે સિંધ પણ વધુને વધુ અશાંત બનતું જણાય છે. એક વિશિષ્ટ અહેવાલ મુજબ, સિંધના રાજકીય જૂથો ત્યાંના નવા પ્રાંતોની દરખાસ્તો અને કેટલાક પ્રોજેક્ટ્સ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થાનિક રાજકીય પક્ષો અને લોકોનું માનવું છે કે, આ પગલાં આ પ્રદેશની જમીન, પાણી અને સંસાધનો માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
સિંધમાં પાકિસ્તાની શાસન સામે અસંતોષ
ઐતિહાસિક રીતે, પાકિસ્તાની શાસન સામે સિંધનું વિરોધમાં ઊભા થવું એ પાકિસ્તાનના આંતરિક વિખવાદને સમર્થન આપતો મોટો સંકેત છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં પોતાની વિધાનસભા દ્વારા પાકિસ્તાનની માંગને ઔપચારિક રીતે સમર્થન આપનાર સિંધ એકમાત્ર પ્રાંત હતો; એવા સમયે જ્યારે પંજાબ અને ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતમાં શક્તિશાળી રાજકીય પરિબળો મુસ્લિમ લીગનો વિરોધ કરી રહ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે એક સમયે પાણી અને સ્થાનિક સ્વાયત્તતાના મુદ્દે સિંધે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું તે જ મુદ્દે આજે સિંધમાં પાકિસ્તાની શાસન સામેના અસંતોષનો અગ્નિ ફેલાઈ રહ્યો છે.
ખાસ વાત એ છે કે, કેટલાક ઉલ્લેખો અને અહેવાલો જણાવે છે કે, આઝાદી સમયથી પાકિસ્તાન સતત એવો આરોપ મુકતું આવ્યું છે કે, ભારત દ્વારા પાકિસ્તાનનું પાણી ચોરવામાં આવી રહ્યું છે. તે સમયે પાકિસ્તાનના નીચલા કાંઠામાં ઘણી સમસ્યાઓ હતી. પાકિસ્તાનના દસ બેરેજ પૈકી સૌથી જૂનો અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો સુક્કુર બેરેજ ધીમે ધીમે કાંપથી ભરાઈ ગયો અને હવે ફરીથી આ વિવાદ સામે આવ્યો છે. ૧૯૩૨માં આ બેરેજે સિંધી રાષ્ટ્રવાદને જન્મ આપ્યો હતો. આઝાદી સમયે આ પ્રાંતની મુસ્લિમ અને હિન્દુ વસતીને વિભાજિત કરીને સિંધને પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યું હતું. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫ પછી ૧૯૩૬માં સિંધ એક સ્વાયત્ત પ્રાંત બન્યો. આનાથી સિંધી મુસ્લિમ રાજકારણના એક વર્ગમાં એક અલગ મુસ્લિમ વતન માટેની મુસ્લિમ લીગની માંગને ટેકો આપવાની વૃત્તિ વધુ મજબૂત બની. આ રાજકીય પરિવર્તનમાં સુક્કુર બેરેજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ તેમના પુસ્તક રિકન્સિલિએશનઃ ઇસ્લામ, ડેમોક્રેસી એન્ડ ધ વેસ્ટમાં પણ આ બાબતોનો સ્વીકાર કર્યો હતો. અંગ્રેજોનું કહેવું હતું કે જળબંબાકાર અને ક્ષારયુક્ત સિંધ પાસે એક અલગ વહીવટીતંત્ર તરીકે સ્વતંત્ર રીતે શાસન ચલાવવા માટે પૂરતી આવક નથી. ત્યારબાદ બેનઝીરના દાદાએ ઉપલા સિંધની શુષ્ક જમીનને ફળદ્રુપ બનાવવા માટે સુક્કુર બેરેજ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. સુક્કુર બેરેજના નિર્માણ સાથે સિંધે એટલી આવક મેળવી લીધી કે જેના આધારે તેઓ એવી દલીલ કરી શક્યા કે મુસ્લિમ સિંધને હિન્દુ ભારતથી અલગ કરવામાં આવે. તેઓ સફળ થયા, અને બ્રિટિશ શાસન હેઠળ સિંધ ફરી એક અલગ અસ્તિત્વ તરીકે ઉભરી આવ્યું.'
પરિસ્થિતિ એવી થઈ છે કે, હવે સિંધે બહારથી થતી વર્ચસ્વ અંગેની જૂની રાજકીય ચિંતાએ એક અલગ સ્વરૂપ ધારણ કર્યું છે. પાકિસ્તાનની અંદર પંજાબના વર્ચસ્વનો ડર અને આ પાકિસ્તાનના ઇતિહાસનું એક પુનરાવર્તિત પાસું રહ્યું છે. પૂર્વ બંગાળ પોતે પણ પાકિસ્તાન આંદોલનમાં મોખરે હતું. બંગાળના સૌથી પ્રભાવશાળી મુસ્લિમ લીગ નેતાઓમાંના એક અને ૧૯૪૬ના 'ગ્રેટ કલકત્તા કિલિંગ્સ' પાછળના મુખ્ય સૂત્રધાર હુસૈન શહીદ સુહરાવર્દી, શેખ મુજીબુર રહેમાનના રાજકીય માર્ગદર્શક પણ હતા, જેમણે આખરે બાંગ્લાદેશનું નિર્માણ કરનાર સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું. આમ, પાકિસ્તાનની રચના માટે નિર્ણાયક બનેલો પ્રદેશ જ ૧૯૭૧માં તેનાથી અલગ થઈ ગયો.
હાલમાં પીઓકેમાં પણ ઈસ્લામાબાદ સામે આકરા વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. બલૂચિસ્તાન દાયકાઓથી અલગતાવાદી વિદ્રોહનો સામનો કરી રહ્યું છે, જ્યારે કેપી વારંવાર આતંકવાદથી અશાંત બન્યું છે. જાણકારોના મતે પાકિસ્તાનનો ઉદ્ભવ જ 'ભવિષ્યના ડર' અને 'ભૂતકાળના ગૌરવ'માંથી થયો હતો. આ બંને બાબતો ઇસ્લામિક રાજકીય ઓળખના નિર્માણ સાથે અને 'હિન્દુ ભારત'માં મુસ્લિમોના રાજકીય દરજ્જા અંગેની આશંકાઓ સાથે ગાઢ રીતે જોડાયેલી હતી. સમસ્યા એ હતી કે માત્ર ધર્મ જ પાકિસ્તાનના ભાષાકીય, વંશીય, પ્રાંતીય અને આર્થિક મતભેદોને કાયમ માટે ઉકેલી શક્યો નહીં. આ વિરોધાભાસોએ દેશનો તેના સમગ્ર ઇતિહાસ દરમિયાન પીછો કર્યો છે. એવું કહેવાય છે કે, પરંપરાગત રીતે પાકિસ્તાનની સૌથી શક્તિશાળી સંસ્થા તેની સેના રહી છે. રાજ્યતંત્ર પર તેની પકડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે અન્ય દેશો પાસે સેના હોય છે, ત્યારે પાકિસ્તાનમાં સેના પાસે એક દેશ છે. તાજેતરના વર્ષોમાં, સૈન્યની પ્રતિષ્ઠા અને રાજકીય કાયદેસરતા ભારે ચર્ચા હેઠળ આવી છે; ખાસ કરીને ઇમરાન ખાનના 'વિદ્રોહ' પછી, જેના કારણે લશ્કરી તંત્ર પ્રત્યે પંજાબમાં પણ દુશ્મનાવટ જોવા મળી છે, જે પરંપરાગત રીતે સેનાનો મુખ્ય રાજકીય અને ભરતીનો આધાર રહ્યો છે.
પાકિસ્તાનની અંદર ઘેરાયેલી સ્થિતિને જોતાં, ત્યાં ફરીથી ઇસ્લામિક ઓળખનો ઉભાર જોવા મળે તે આશ્ચર્યજનક નથી. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે એપ્રિલ ૨૦૨૫માં અને ત્યારબાદ વધુ સ્પષ્ટપણે આ વિચારને સમર્થન આપીને ખુલ્લેઆમ વાચા આપી હતી કે મુસ્લિમો અને હિન્દુઓ મૂળભૂત રીતે બે અલગ રાષ્ટ્રો છે જે એક સાથે રહી શકતા નથી. આ બાબત આપણને સુચક રીતે અમેરિકા તરફ ખેંચી જાય છે. જાન્યુઆરી ૨૦૨૫માં ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પુનરાગમન સાથે, વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચે ફરી વ્યૂહાત્મક સમાનતા જોવા મળી છે, જેણે પાકિસ્તાનની ગ્લોબલ પ્રેઝન્સ અને જનરલ મુનીરની વધતી રાજદ્વારી પ્રોફાઇલમાં યોગદાન આપ્યું છે. પાકિસ્તાનનો ઇતિહાસ સૂચવે છે કે અમેરિકન વ્યૂહાત્મક આશ્રય પરની નિર્ભરતા જોખમી સાબિત થઈ શકે છે. વોશિંગ્ટનનો ઇસ્લામાબાદમાં રસ તાત્કાલિક ભૌગોલિક-રાજકીય જરૂરિયાતો અનુસાર વારંવાર વધ્યો અને ઘટયો છે.
અમેરિકા-પાકિસ્તાન સંબંધોમાં વધુ ઘણો વિરોધાભાસ પણ છે. વોશિંગ્ટને પાકિસ્તાનનો વ્યૂહાત્મક હેતુઓ માટે ઉપયોગ કરવાનો વારંવાર પ્રયાસ કર્યો છે, જ્યારે તેને જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના પોતાના અલગ ઉદ્દેશ્યો છે. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ (૯/૧૧) પછીની ઘટનાઓ તેનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે ૯/૧૧ની ઘટના બની ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના તત્કાલીન વડા લેફ્ટનન્ટ જનરલ મહમૂદ અહેમદ વોશિંગ્ટનમાં જ હતા.
જ્યોર્જ ડબલ્યુ. બુશ વહીવટીતંત્રે ત્યારબાદ માંગ કરી હતી કે જનરલ પરવેઝ મુશર્રફ તાલિબાન નેતા મુલ્લા ઉમર પર ઓસામા બિન લાદેનને સોંપવાનું દબાણ કરે અથવા અફઘાનિસ્તાનમાં અમેરિકી હસ્તક્ષેપના પરિણામો ભોગવવા તૈયાર રહે. દેખીતી રીતે તાલિબાન નેતૃત્વને મનાવવા માટે જનરલ મહમૂદને પાકિસ્તાની મૌલવીઓ સાથે કંદહાર મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં એસોસિએટેડ પ્રેસના પત્રકાર કેથી ગેનન તેમના પુસ્તક માં એક રસપ્રદ વિગત આપે છે. તેઓ મહમૂદને ઇસ્લામિક આતંકવાદીઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ ધરાવતા વ્યક્તિ તરીકે વર્ણવે છે અને તેમને 'મુલ્લા ઉમર સાથે વાટાઘાટો કરવા' મોકલવામાં રહેલા અસાધારણ વિરોધાભાસની નોંધ લે છે. ગેનન લખે છે ઃ 'જનરલ અહેમદ… ધીમી ગતિએ બોલતા આ નેતાને એક બાજુ લઈ ગયા અને તેમને અમેરિકા સામે પ્રતિકાર કરવાની વિનંતી કરી.
પાકિસ્તાનના આ જેલી સ્ટેટ જરૂર કરતા વધુ ખેંચાઈ ગયા છે
જાણકારોના મતે બુલચિસ્તાનમાં બલોચો દ્વારા જે રીતે ભયાનક હુમલા કરવામાં આવી રહ્યા છે, જે રીતે તેમણે પાકિસ્તાની આર્મી સામે જંગ છેડી દીધો છે તે જોતાં લાગી રહ્યું છે કે, હવે સ્થિતિ વધારે વણસે તેમ છે. અહિંયા ગમે ત્યારે બલોચ આર્મી અને સ્થાનિકો કબજો જમાવી લે તેવી શક્યતાઓ સૌથી વધારે છે. આ સિવાય પીઓકેમાં પણ લોકો અને સ્થાનિક તંત્રમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનની કેટલી પોલિસીઓનો અહીંયા વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. પીઓકેના લોકો વારંવાર પોતાને અલગ કરીને ભારતમાં જોડવાની ડિમાન્ડ કરી રહ્યા છે. તે માટે કેટલાક આંદોલન પણ ચાલી રહ્યા છે. સમજવાની વાત એ છે કે, પાકિસ્તાનના નિર્માણમાં સિંધે મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે, જ્યારે આ પ્રાંત વિરોધમાં ઊભો થયો છે, ત્યારે પાકિસ્તાનનું પતન નજીક હોવાના પડઘમ સંભળાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાનના આ 'જેલી સ્ટેટ' ચોક્કસપણે પોતાની ક્ષમતા કરતાં વધુ ખેંચાઈ ચૂક્યા છે. જો તે જરૂરી સુધારાત્મક પગલાં નહીં લે, તો તેનું આંતરિક વિખંડન થઈ શકે છે. આ વખતે બે કરતાં વધુ ટુકડાઓમાં વહેંચાઈ જશે. ત્યારબાદ તેના પતન પર શોક મનાવવા માટે બહુ ઓછા લોકો હશે. બલુચિસ્તાન, પીઓકે અને હવે સિંધ પ્રાન્ત પણ પાકિસ્તાનથી જુદા પડવાના આરે આવી ગયા છે. પાકિસ્તાનમાં પડેલી તિરાડો વધુ મોટી થઈ જશે અને તેને રિપેર કરવી પણ મુશ્કેલ થઈ જશે.

