ભારતના કડક વલણથી પાકિસ્તાનમાં જળ સંકટ: 25 કરોડ લોકોના જીવનો હવાલો આપી સિંધુનું પાણી માગ્યું

સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) પર ભારત સરકારના કડક વલણને કારણે પાકિસ્તાનમાં સર્જાયેલી પાણીની ભારે અછત વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ અપીલ કરી રહ્યું છે. અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસ દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ સેમિનારમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે, સિંધુ નદી પ્રણાલી પાકિસ્તાનના 25 કરોડથી વધુ લોકોની જીવનરેખા છે. તેમણે એપ્રિલ 2025 માં ભારત દ્વારા આ સંધિ સ્થગિત કરવાના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે મધ્યસ્થતા કરવા અપીલ કરી છે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે લીધો હતો કડક નિર્ણય
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. આ સરહદ પારના આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક અને આકરો નિર્ણય લીધો હતો. ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, "લોહી અને પાણી ક્યારેય એકસાથે વહી શકે નહીં." જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી ભારતના વિરોધમાં ચાલતા આતંકવાદી નેટવર્ક સામે કાયમી અને નક્કર કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી આ સંધિ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે.
પાકિસ્તાનમાં આર્થિક અને જળ સંકટ ઘેરાયું
ઇશાક દારે અમેરિકામાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનની કૃષિ, ખાદ્ય સુરક્ષા, વીજ ઉત્પાદન અને આર્થિક વિકાસ સંપૂર્ણપણે સિંધુ નદીના પાણી પર નિર્ભર છે. તેમણે દેશમાં ગ્લોબલ વોર્મિંગ, ગ્લેશિયર પીગળવા અને દુષ્કાળના કારણે વધી રહેલી સમસ્યાઓનો હવાલો ટાંકીને જળ સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી હતી. જોકે, એક તરફ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન પાણી માટે કરગરી રહ્યું છે, તો બીજી તરફ સંધિ પૂર્વવત્ત ન થાય તો તેવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ જોખમાવાની ધમકી પણ આપી રહ્યું છે.
ભારત પોતાના કડક વલણ પર અડગ
પાકિસ્તાનની વારંવારની અપીલો છતાં ભારત પોતાના નિર્ણય પર મક્કમ છે. નવી દિલ્હીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આતંકવાદ અને દ્વિપક્ષીય સહયોગ સાથે ન ચાલી શકે. પાકિસ્તાન સતત નાણાકીય અને સંસાધનોની કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે પાણીનો મુદ્દો તેની માટે અસ્તિત્વનો સવાલ બની ગયો છે, પરંતુ ભારત સરકાર કોઈપણ કિંમતે આતંકવાદ ચલાવી લેવાના મૂડમાં નથી.

