બાંગ્લાદેશ જેવી અરાજકતા બાબતે વિચારતા જ નહીં, સામે સેના હશે...', પાકિસ્તાની આર્મી ચીફે આપી આ ચેતવણી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાયેલી છે. અનામત મુદ્દે વિદ્યાર્થીઓના પ્રદર્શનથી શરૂ થયેલી વિરોધની ચિનગારીએ

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાયેલી છે. અનામત મુદ્દે વિદ્યાર્થીઓના પ્રદર્શનથી શરૂ થયેલી વિરોધની ચિનગારીએ આગનું સ્વરૂપ ધારણ કરતાં શેખ હસીના સરકાર ઉથલાવી દેવામાં આવી છે. ત્યારે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિની સંભાવના પર આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કડક ચેતવણી આપી છે.
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ કરનારાઓને કહ્યું છે કે, અમારી સેના આવા કોઈ ષડયંત્રને સફળ થવા દેશે નહીં કારણ કે તે દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય અખંડિતતાની સુરક્ષા માટે હંમેશા તૈયાર છે.
સેનાના મીડિયા યુનિટે જનરલ મુનીરને ટાંકીને કહ્યું કે જો કોઈએ પાકિસ્તાનમાં આવી અરાજકતા સર્જવાનો પ્રયાસ કર્યો તો અલ્લાહની કસમ, અમે તેને સફળ થવા દઈશું નહીં. દુનિયાની કોઈ પણ શક્તિ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી નહીં શકે, કારણ કે આ દેશ કયામત સુધી રહેશે.
મૌલવીઓના સંમેલનને સંબોધતા આર્મી ચીફે કહ્યું કે જો તમારે જાણવું હોય કે દેશ કેટલો મહત્વપૂર્ણ છે, તો ઇરાક, સીરિયા અને લિબિયાને જુઓ. પાકિસ્તાનની હાજરી હંમેશા રહેશે કારણ કે તે ટકી રહેવા માટે બનાવવામાં આવ્યું છે. દેશમાં શાંતિ અને અસ્થિરતા જાળવવામાં સેનાના સમર્પણની પ્રશંસા કરી હતી. સાથે અરાજકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાને પણ જવાબદાર ગણાવ્યું હતું.
કાશ્મીર મુદ્દે મુનીરે શું કહ્યું?
પાકિસ્તાની આર્મી ચીફ જનરલ મુનીરે કહ્યું કે કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વણઉકેલાયેલ એજન્ડા છે. આનો ઉકેલ લાવવો જરૂરી છે પરંતુ આજ સુધી સફળતા મળી નથી. અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અંગે કહ્યું કે, પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન શરણાર્થીઓને સમર્થન આપી રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો જાળવવા પર પણ ભાર મૂક્યો હતો.
આર્મિ ચીફનું આ નિવેદન સોશિયલ મીડિયા પર તે પોસ્ટ વાયરલ થયા બાદ આવ્યું છે, જેમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિની તુલના બાંગ્લાદેશ સાથે કરવામાં આવી રહી છે. આર્મી ચીફે દેશમાં અરાજકતાની ઘટનાઓ માટે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. સાથે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર સેનાની વધુ ટીકા થવા લાગી છે. આના કારણે દેશનું રાજકીય અને સામાજિક માળખું બગડી રહ્યું છે. આવો પ્રયાસ કરનારા લોકોની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.








