UNGAમાં પાકિસ્તાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો, આર્ટિકલ 370નો ઉલ્લેખ કરી ભારત સામે લગાવ્યા અનેક આરોપ

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્ર દરમિયાન ભારત સામે આકરા આક્ષેપો કર્યા છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) કોન્ટેક્ટ ગ્રુપની મંત્રીસ્તરીય બેઠકમાં ડારે ભારત પર કાશ્મીરની ઓળખ, રાજકીય વ્યવસ્થા અને સાંસ્કૃતિક માળખામાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
ડારે પોતાના સંબોધનની શરૂઆતમાં OIC કોન્ટેક્ટ ગ્રુપના સભ્યો અને માનવાધિકાર સંસ્થાઓનો આભાર માન્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો કે OIC સતત કાશ્મીરના લોકોના અધિકારો અને તેમની માંગણીઓને સમર્થન આપતું આવ્યું છે.
આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય પર પાકિસ્તાનના આરોપ
ઇશાક ડારે 5 ઓગસ્ટ 2019 પછી ભારત દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાનનો આરોપ છે કે આ પગલાંઓનો હેતુ જમ્મુ-કાશ્મીરની ઓળખ, રાજકીય વ્યવસ્થા અને સાંસ્કૃતિક માળખામાં પરિવર્તન લાવવાનો છે.
ડારે નવા ડોમિસાઇલ (રહેઠાણ) નિયમો, ચૂંટણી ક્ષેત્રોના પુનર્ગઠન અને અન્ય રાજ્યોના લોકોને મતદાર યાદીમાં સામેલ કરવાના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાને આ પગલાંઓને કાશ્મીરની જમીની હકીકત બદલવાના પ્રયાસ તરીકે રજૂ કર્યા હતા.
નેતાઓ અને પત્રકારોની ધરપકડનો દાવો
પાકિસ્તાની વિદેશ મંત્રીએ પોતાના સંબોધનમાં કાશ્મીરમાં નેતાઓ, પત્રકારો અને કાર્યકરોની ધરપકડનો દાવો પણ કર્યો હતો. તેમણે મીડિયાની સ્વતંત્રતા પર પ્રતિબંધ, કાશ્મીર પ્રેસ ક્લબ બંધ કરવા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાના આરોપ લગાવ્યા હતા.
ડારે એવો પણ દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને પત્રકારોને જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિની સ્વતંત્ર રીતે સમીક્ષા કરવાની પૂરતી તક આપવામાં આવતી નથી. આ તમામ દાવાઓ પાકિસ્તાની પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.
આતંકવાદના આરોપોને પાકિસ્તાને નકાર્યા
મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતા ડારે કહ્યું હતું કે બે અણુશક્તિ ધરાવતા દેશો વચ્ચેના વિવાદનો ઉકેલ માત્ર સૈન્ય શક્તિથી લાવી શકાય નહીં. પાકિસ્તાને ભારત તરફથી લગાવવામાં આવતા આતંકવાદ સંબંધિત આરોપોને પણ ફગાવી દીધા હતા.
ડારે દાવો કર્યો કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ પાકિસ્તાને પોતાના બચાવ માટે જરૂરી પગલાં લીધા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે બંને દેશો વચ્ચેના પ્રશ્નોનો કાયમી ઉકેલ વાતચીત અને રાજદ્વારી માર્ગ (Diplomacy) દ્વારા જ શોધી શકાય છે.
સિંધુ જળ સંધિનો પણ ઉલ્લેખ
પાકિસ્તાની વિદેશ મંત્રીએ સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે આ એક આંતરરાષ્ટ્રીય કરાર છે અને કોઈ એક દેશ તેને એકતરફી રીતે સ્થગિત અથવા રદ કરી શકે નહીં.
ડારે કરારની જોગવાઈઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉથી જ મતભેદો રહ્યા છે.
OIC સમક્ષ પાકિસ્તાને કરી આ માંગ
પાકિસ્તાને OIC દેશોને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દે એકજૂથ વલણ અપનાવવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત ભારત પાસે 5 ઓગસ્ટ 2019 પછી લેવામાં આવેલા પગલાં પાછા ખેંચવાની, રાજકીય કેદીઓને મુક્ત કરવાની અને કાશ્મીરમાં વસ્તીવિષયક ફેરફારોને રોકવાની માંગ પણ કરવામાં આવી હતી. UNGA દરમિયાન પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ફરી ઉઠાવાતા બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો ફરી ચર્ચામાં આવ્યા છે.

